છેલ્લા બે વર્ષમાં કોરોનાકાળને લઈને તમામ વ્યવસાયની સાથે શેરડી વેચાણમાં પણ ઘણી બાધાઓ ઉત્પન્ન થઈ છે. જ્યારે આ વખતે તેમાં ફાયદો થવાનો અંદેશો શેરડીનો વ્યવસાય ધરાવતા વિક્રેતા દર્શાવી રહ્યા છે. જેની પૂરાવો આપતા દ્રશ્યો ભુજના મુન્દ્રા રોડ પાસે આવેલી શેરડી વિક્રેતાના સ્ટોલ પર જોવા મળી રહ્યા છે. ગત વર્ષે કોરોનાની બીજી લહેરના કારણે આ ધંધામાં ખૂબ ખોટ સહન કરવી પડી હતી. રૂ. ૨૫૦નો ખરીદેલો માલ રૂ. ૯૦માં વેચવો પડ્યો હતો. જ્યારે આ વખતે પરિસ્થિતિ સાનુકૂળ રહેશે તો વેચાણ સારૂ રહેશે.
અત્યારથી જ રોજના ૫૦ મણ માલનું વેચાણ ચાલુ થઈ ગયું છે, જે આગળ જતાં વધી શકે છે. ગરીબ વર્ગના શેરડી રસના વેચાણ મારફતે રોજી રળતા ધંધાર્થીઓ તેમના વાહન રીપેર કરાવી રહ્યા છે. રામપ્રકાશ નામના ધંધાર્થીએ કહ્યું હતું કે દરરોજ બે મણ જેટલો શેરડીનો જથ્થો ખરીદી દિવસ દરમિયાન ૩૦થી ૩૫ કિલોમીટર ફરીને શેરડી રસના ૨૦૦ ગ્લાસ વેચી રૂ. ૫૦૦ની આવક ખર્ચ કાઢતા થઈ જાય છે.
જો હવે ફરી કોરોના ના નડે તો આવકમાં ફાયદો થઈ શકે છે. લોકો પણ શરીરને ફાયદો આપતું પીણું વધુ પ્રમાણમાં પિતા થયા છે જે સારા સંકેત છે.ઉનાળાની શરૂઆતની સાથે જ ભુજ વિસ્તારમાં ફરતા વાહન મારફતે શેરડી રસનું વેચાણ કરી રોજી રળતા ૬૫ જેટલા ધંધાર્થીઓ પોતાના વાહનને સજ્જ કરી રહ્યા છે. આ ધંધાર્થીઓ દૈનિક બે મણ જેટલી શેરડી ખરીદી ગરમીની ઋતુમાં લોકોને શેરડીનો રસ પીવડાવી ઠંડક પહોંચાડશે. જેના દ્વારા તેઓ સારી આવક પણ મેળવી શકશે. આ માટેનો ધમધમાટ હાલ ભૂજ શહેરમાં જોવા મળી રહ્યો છે. ભુજમાં ચાર જથ્થાબંધ શેરડીના વિક્રેતાઓ રોજનો ૨૦૦ મણ માલ વહેંચી ૬૦ હજારથી વધુનો ધંધો કરી રહ્યા છે.