ખાસ રાજ્યના દરજ્જાની માંગ સાથે નાયડુ ભુખ હડતાળ ઉપર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન. ચન્દ્રાબાબુ નાયડુએ આજે સવારે આંધ્ર ભવનમાં પોતાની એક દિવસની ભુખ હડતાળ શરૂ કરી હતી. આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જા આપવાની માંગ સાથે નાયડુ ભુખ હડતાળ કરી રહ્યા છે. નાયડુની ભુખ હડતાળ સવારે આઠ વાગે શરૂ થયા બાદ રાત્રે આઠ વાગે તેમની ભુખ હડતાળ પૂર્ણ થશે. તેમની ભુખ હડતાળને ટેકો આપવા માટે વિપક્ષી નેતાઓ પહોંચે તેવી શક્યતા છે. ભુખ હડતાળ પર બેસી ગયેલા નાયડુએ કહ્યુ હતુ કે આજે અમે અહીં કેન્દ્ર સરકારની સામે વિરોધ પ્રદર્શન કરવા માટે એકત્રિત થયા છીએ.

ધરણાના એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઇકાલે આંધ્રપ્રદેશ પહોંચ્યા હતા. મોદીએ આંધ્રપ્રદેશના ગન્ટુરમાં રેલી કરી હત. જેમાં મોદીએ નાયડુ પર તેજાબી પ્રહારો કર્યા હતા. તમામ લોકો જાણે છે કે ટીડીપી રાજ્યના વિભાજન બાદ આંધ્રપ્રદેશને કરવામાં આવેલા અન્યાયને લઇને એનડીએ સાથે છેડો ફાડી લેવાની જાહેરાત કરી હતી. પોતાની એક દિવસની ભુખ હડતાળના આગામી દિવસે એટલે કે આવતીકાલે મંગળવારના દિવસે નાયડુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દને એક આવેદનપત્ર સુપ્રત કરવાની યોજના ધરાવે છે. મુખ્યપ્રધાન તેમના કેબિનેટના પ્રધાનો, પાર્ટીના ધારાસભ્યો અને સાંસદો સાથે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.

રાજ્યના કર્મચારીઓ પણ આમા સામેલ થયા હોવાના હેવાલ મળી રહ્યા છે. નાયડુ તેમની વિકાસ યોજનાઓ પર ધ્યાન આપવાના બદલે હાલમાં કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. આંધ્રપ્રદેશને ખાસ રાજ્યના દરજ્જા જેટલી જ સહાય કેન્દ્ર સરકારે પુરી પાડી હોવા છતાં આ રકમનો ઉપયોગ કરી શક્યા નથી. મોદીએ ગઇકાલે જ તેમના પર પ્રહારો કર્યા હતા.

Share This Article