કલબુર્ગી : કર્ણાટકના કલબુર્ગીમાં અનેક યોજનાઓના શિલાન્યાસ માટે પહોંચેલા વડાપ્રધાન મોદીએ આજે વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, સમગ્ર વિપક્ષ આજે મોદીને દૂર કરવા માટે એકત્રિત થઇ રહ્યા છે જ્યારે તેઓ આતંકવાદને ખતમ કરવામાં લાગેલા છે. દેશમાં ભ્રષ્ટાચારને ખતમ કરવા લાગેલા છે. મોદીએ કહ્યું હતું કે, સવા સો કરોડ દેશવાસીઓના કારણે તેમને તાકાત મળી છે જેના કારણે તેઓ પાકિસ્તાન અથવા તો વિપક્ષથી ડરતા નથી. મોદીએ એમ પણ કહ્યું હતું કે, જ્યાં સુધી કેન્દ્રમાં મોદી રહેશે ત્યાં સુધી ચોરોની દુકાનો બંધ રહેશે. કલબુર્ગીમાં વડાપ્રધાને અનેક વિકાસ યોજનાઓની આધારશીલા મુકી હતી. સાથે સાથે આયુષ્યમાન યોજના સહિત કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ અંગે માહિતી આપી હતી.
આની સાથે સાથે વડાપ્રધાને વચન આપ્યું હતું કે, જ્યાં સુધી તેઓ સત્તામાં છે ગરીબો અને ખેડૂતો માટે કામ કરતા રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વિરોધ પક્ષો દ્વારા ત્રાસવાદને લઇને હોબાળો કરવામાં આવી રહ્યો છે. વિરોધ પક્ષો ભ્રષ્ટાચાર ઇચ્છે છે પરંતુ મોદી ભ્રષ્ટાચારને ચલાવશે નહં. વિપક્ષને આ અંગે માહિતી નથી કે કેન્દ્રમાં મજબૂત સરકાર છે અને ભ્રષ્ટાચાર થઇ શકશે નહીં. આજ કારણસર કેન્દ્રમાં મજબૂત સરકાર લાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. કર્ણાટકની વર્તમાન જેડીએસ-કોંગ્રેસ સરકાર ઉપર પ્રહાર કકરતા કહ્યું હતું કે, અહીંની સરકારની હાલત ખુબ જ કફોડી બનેલી છે.
કર્ણાટકમાં મજબૂત સરકાર છે જેથી સ્થિતિ સમજી શકાય તેવી છે. અહીં સત્તામાં બેઠેલા લોકો વ્યાપક ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. દરેક વ્યક્તિ એકબીજાના પગ ખેંચવામાં વ્યસ્ત છે. મોદીએ કહ્યું હતું કે, કર્ણાટકના લોકોએ મોટી ભુલ કરી છે જેના કારણે અહીંની સ્થિતિ જોઈ શકાય છે. આવી સ્થિતિમાં હવે ભુલ સુધારવાની તક મળી રહી છે. બોગસ નામોને લઇને સરકાર યોજનાઓનો લાભ લઇ રહેલા લોકો ઉપર પ્રહાર કરીને મોદીએ કહ્યું હતું કે, પહેલા આઠ કરોડ બોગસ નામ હતા જે દેશને લુટી રહ્યા હતા.