શિયાળુ વાવાઝોડાથી બ્રાઝિલમાં તબાહી, ૧૧ના મોત, ૨૦ લાપતા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શિયાળુ વાવાઝોડું હાલમાં બ્રાઝિલના રિયો ગ્રાન્ડે દો સુલમાં તબાહી મચાવી રહ્યું છે. શુક્રવારે આ વાવાઝોડામાં ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થયા હતા, જ્યારે ૨૦ હજુ પણ ગુમ હોવાનું જાણવા મળે છે. ત્યાંની સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આ વાવાઝોડાને કારણે મુશળધાર વરસાદ થયો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.  તેમણે જણાવ્યું કે ૨૦ લોકો હજુ પણ ગુમ છે. હેલિકોપ્ટર દ્વારા તેમને શોધવાની કામગીરી ચાલી રહી છે. આ ચક્રવાતી તોફાનના કારણે ૮૦૦૦થી વધુ વસ્તી ધરાવતું કારા શહેર ખરાબ રીતે પ્રભાવિત થયું છે. રિયો ગ્રાન્ડે દો સુલના ગવર્નર એડ્યુઆર્ડો લેઈટે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે જેલની સ્થિતિ ખૂબ જ ભયાનક છે. લેઈટે કહ્યું કે અમારી પ્રાથમિકતા ગુમ થયેલા લોકોને શોધવાની છે, જેઓ પૂરના કારણે મુશ્કેલીમાં છે અને મદદની રાહ જોઈ રહ્યા છે. તેણે કહ્યું કે મેક્વિનમાં લગભગ એક ફૂટ વરસાદ પડ્યો. અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનનો ભય છે. આ માટે ચેતવણી જારી કરવામાં આવી છે. અવિરત વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ છે. રિયો ગ્રાન્ડે દો સુલમાં તમામ ફ્લાઇટ્‌સ રદ કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

ગવર્નર લેઇટે કહ્યું કે રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ કટોકટીનો સામનો કરવા માટે સંઘીય સહાયની ઓફર કરી છે. તેમણે કહ્યું કે અધિકારીઓએ છેલ્લા બે દિવસમાં ૨૪૦૦ લોકોને બચાવ્યા છે. લેઈટે કહ્યું કે આ સમયે અમારો મુખ્ય ઉદ્દેશ્ય માનવ જીવનનું રક્ષણ અને બચાવ કરવાનો છે. અમે ફસાયેલા લોકોને બચાવી રહ્યા છીએ, ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છીએ અને પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યા છીએ. નોંધનીય છેકે ભારતના પશ્ચિમ કાંઠે ગુજરાતના અરબ સાગરમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાએ પણ ગુજરાતના દરિયાકાંઠે અને રાજસ્થાનમાં કહેર મચાવ્યો છે.

Share This Article