નવી દિલ્હી : પાટનગર દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં કાતિલ ઠંડી અને ધુમ્મસના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. હાલમાં કાતિલ ઠંડીથી રાહત મળે તેવી શક્યતા નહીંવત દેખાઇ રહી છે. આજે સવારે ઉત્તર ભારતમાં હાલત કફોડી રહી હતી. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં કેટલીક જગ્યાએ લઘુત્તમ તાપમાન માઇનસમાં રહ્યુ હતુ. ઉચાણવાળા વિસ્તારોમાં ચારેબાજુ બરફની ચાદર છવાયેલી છે. વિજિબિલીટી પણ ઘટી ગઇ છે. જેના કારણે અકસ્માત પણ થયા છે. હવામાન વિભાગે કહ્યુ છે કે કાતિલ ઠંડી, ધુમ્મસની સાથે સાથે પ્રદુષણનુ સ્તર પણ ખુબ નીચે પહોંચી ગયુ છે. એર ક્વાલિટી ઇન્ડેક્સના કહેવા મુજબ ધુમ્મસના કારણે દિલ્હીથી અને દિલ્હીમાં આવતી ફ્લાઇટ મોડે પડી હતી.
હાલમાં કોઇ ફ્લાઇટ રદ કરવામાં આવી નથી. જા કે ફ્લાઇટ લેટ થવાના કારણે મોટી સંખ્યામાં યાત્રી અટવાઇ પડ્યા હતા. હાલમાં કોઇ ફ્લાઇટને કેન્સલ કરવા અથવા તો ડાયવર્ટ કરવાને લઇને કોઇ સમાચાર મળ્યા નથી. જા કે ટ્રેન સેવાને માઠી અસર થઇ છે. દિલ્હીથી ચાલતી કુલ ૨૭ ટ્રેનો મોડેથી દોડી રહી છે. દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ગઇકાલે પણ કાતિલ ઠંડી રહી હતી. સપ્તાહના છેલ્લા દિવસે દિલ્હીમાં તાપમાન ગગડી ગયુ હતુ. હવામાન વિભાગે કહ્યુ છે કે સોમવારના દિવસે ધુમ્મસની ચાદર તમામ જગ્યાએ રહી હતી. બીજી બાજુ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને અન્યત્ર કાતિલ ઠંડી પડી રહી છે.છેલ્લા કેટલાક દિવસોમાં પારો ફરી એકવાર ઘટી રહ્યો છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં પારો માઇનસમાં પહોંચી જતા જનજીવન પર અસર થઇ રહી છે. પ્રવાસીઓ પણ જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર ભારતમાં પોલાર વોર્ટેક્સના કારણે અસામાન્ય ઠંડીની સ્થિતિ પ્રવર્તી રહી છે. ઉત્તરભારતના પહાડી રાજ્યો તથા મેદાની ભાગોમાં અસામાન્ય સ્થિતિ માટે પોલાર વોલ્ટેક્સ જવાબદાર છે. એકબાજુ અમેરિકા અને કેનેડામાં અભૂતપૂર્વ ઠંડી પડી રહી છે. ભારતમાં જ પણ આવી સ્થિતિ જાવા મળી રહી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં પણ તાપમાન ઘટી ગયું છે. પોલાર વોર્ટેક્સના કારણે પરોક્ષ સ્થિતિ સર્જાઈ શકે છે અને ઠંડી ફેબ્રુઆરીના મધ્ય સુધી જારી રહેશે. વિતેલા વર્ષોમાં કારગિલમાં સૌથી વધારે ઠંડી નોંધાતી હતી. હવામાન વિભાગનું કહેવું છે કે, વેધર ડિસ્ટર્બન્સની સ્થિતિના કારણે હાલત કફોડી બનેલી છે. કાશ્મીર અને હિમાચલ તથા ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઇ શકે છે. તાપમાન માઇનસમાં છે. ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા હજુ થઇ રહી છે.