મુંબઈ : વેસ્ટઇન્ડિઝના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની આજે જાહેરાત કરી દેવામાં આવી હતી. આની સાથે જ ટેસ્ટ, વનડે અને ટ્વેન્ટી મેચોમાં અલગ કેપ્ટન રાખવાને લઇને ચાલી રહેલી ચર્ચાનો પણ અંત આવી ગયો છે. ટ્વેન્ટી, વનડે અને ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટન તરીકેની ભૂમિકામાં વિરાટ કોહલી જ રહેશે. વિરાટ કોહલીને આરામ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જ્યારે ટેસ્ટ મેચમાં રિદ્ધિમાન સાહાની સાથે રિષભ પંતને વિકેટકીપર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ એક દિવસ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે, તે વેસ્ટઇન્ડિઝના પ્રવાસમાં ઉપલબ્ધ રહેશે નહીં. વિરાટ કોહલીને આરામ આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો નથી. એમએસકે પ્રસાદના નેતૃત્વમાં પાંચ સભ્યોની પસંદગી સમિતિની બેઠક આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાઈ હતી જેમાં કેપ્ટન વિરાટ કોહલીએ પણ હાજરી આપી હતી.
પૂર્વ કેપ્ટન એમએસ ધોની ઉપરાંત વનડે અને ટ્વેન્ટી શ્રેણીમાં જસપ્રિત બુમરાહ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ આરામ આપવામાં આવ્યો છે. આ બંને ખેલાડી લાંબા સમયથી સતત રમી રહ્યા હતા. ટેસ્ટ ટીમમાં શિખર ધવનનો સમાવેશ કરવામાં આવ્યો નથી પરંતુ વનડે ટીમમાં શિખર ધવનની વાપસી થઇ છે. વર્લ્ડકપ દરમિયાન શિખર ધવન ઘાયલ થયો હતો. બુમરાહને ટેસ્ટ ટીમમાં તક મળી નથી. ચેતેશ્વર પુજારા અને હનુમા વિહારીને ટેસ્ટ ટીમમાં તક આપવામાં આવી છે. ટેસ્ટ ટીમમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની વાપસી થઇ છે. ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝના પ્રવાસની શરૂઆત ત્રીજી ઓગસ્ટથી કરશે. ટીમ ઇન્ડિયા આ પ્રવાસ દરમિયાન બે ટેસ્ટ મેચ, ત્રણ વનડે મેચો અને ત્રણ ટ્વેન્ટી મેચો રમશે. પ્રથમ ટેસ્ટ મેચ ૨૨મી ઓગસ્ટથી વિવિયન રિસડ્ર્સ ગ્રાઉન્ડ ખાતે રમાશે જ્યારે બીજી ટેસ્ટ મેચ ૩૦મી ઓગસ્ટથી સબીના પાર્ક જમૈકા ખાતે રમાશે. ટેસ્ટ ટીમમાં મયંક અગ્રવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમમાં બે વિકેટકીપર રાખવામાં આવ્યા છે. જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. ટેસ્ટ ટીમમાં પણ જુદા અને વનડે ટીમમાં જુદા કેપ્ટનને લઇને હિલચાલ ચાલી રહી હતી.
હાલમાં જ પૂર્ણ થયેલા વર્લ્ડકપમાં પાંચ સદી ફટકારનાર રોહિત શર્માની ટેસ્ટ મેચ માટે પણ પસંદગી કરવામાં આવી છે જ્યારે વનડે ટીમમાં શ્રેયસ અય્યર, મનિષ પાંડે અને નવદીપ સૈની તેમજ ખલીલ અહેમદનો સમાવેશ કરાયો છે. લાંબા સમય સુધી બહાર રહ્યા બાદ ટેસ્ટ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સહાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સહાએ હાલમાં જ સર્જરી કરાવી હતી. ૨૦૧૮ આઈપીએલ દરમિયાન ઇજા થયા બાદ તે ટીમમાંથી બહાર હતો. જાન્યુઆરી ૨૦૧૮માં આફ્રિકા સામે તે છેલ્લી વખત રમ્યો હતો. ટ્વેન્ટી ટીમમાં એકમાત્ર લેગસ્પીનર રાહુલ ચહર નવા ચહેરા તરીકે છે. આઈપીએલમાં શાનદાર દેખાવના કારણે તેની પસંદગી કરવામાં આવી છે. બીજી બાજુ અન્ય તમામ ખેલાડીઓને લઇને વ્યાપક વિચારણા થઇ હતી. વર્લ્ડકપ બાદ ભારત પ્રથમ વખત દ્વિપક્ષીય શ્રેણી રમનાર છે. વર્લ્ડકપમાં સૌથી હોટફેવરિટ ટીમ હોવા છતાં ભારતીય ટીમની ન્યુઝીલેન્ડ સામે સેમિફાઇનલમાં ૧૮ રને હાર થઇ હતી જેના કારણે કરોડો ક્રિકેટ ચાહકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું.