લંડન : લંડનમાં ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાઇ રહેલી વર્ષની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં રોમાનિયાની સ્ટાર ખેલાડી સિમોના હાલેપે મહાન ટેનિસ ખેલાડી સેરેના પર જીત મેળવીને પોતાની કરિયરની પ્રથમ વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપ જીતી લીધી છે. આજે રમાયેલી મહિલા સિગલ્સની ફાઈનલ મેચમાં સિમોના હલેપે સેરેના ઉપર સીધા સેટોમાં ૬-૨થી જીત મેળવી લીધી હતી. આ મેચ ૫૬ મિનિટ સુધી ચાલી હતી.
આ હારની સાથે સેરેનાનુ ૨૪મી ગ્રાન્ડ સ્લેમ જીતવાનુ સપનુ રોળાઈ ગયું હતું. સાત વખતથી વિમ્બલ્ડન ચેપિયન સેરેનાએ પોતાની છેલ્લી ગ્રાન્ડ સ્લેમ ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયન ઓપન તરીકે જીતી હતી. સેરેના ટેનિસની મહાન ખેલાડી માર્ગારેટ કોર્ટના ઓલટાઈમ ૨૪ ગ્રાન્ડ સ્લેમ જીતવાના રેકોર્ડની બરોબરી કરવાથી ચુકી ગઈ છે. હાલેપે પોતાની કરિયરમાં બીજી ગ્રાન્ડ સ્લેમ જીતી છે. આ પહેલા ગયા વર્ષે હાલેપે ફ્રેન્ચ ઓપનમાં જીત મેળવી હતી.
બીજી બાજુ પુરુષોના વર્ગમાં ફાઇનલ મેચ હવે રોજર ફેડરર અને નોવાક જાકોવિક વચ્ચે આવતીકાલે રમાશે. ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે સેન્ટર કોર્ટ પર આવતીકાલે સાંજે ૬-૩૦ વાગ્થી આ મેચનુ પ્રસારણ કરવામાં આવનાર છે. રોજર ફેડરરે સેમીફાઇનલ મેચમાં તેના નજીકના હરિફ સ્પેનના રાફેલ નડાલ પર ૭-૬, ૧-૬, ૬-૩, ૬-૪તી જીત મેળવી હતી. બીજી બાજુ અન્ય સેમીફાઇનલ મેચમાં વર્તમાન વિમ્બલ્ડન ચેમ્પિયન અને વર્લ્ડ નંબર વન ખેલાડી જાકોવિકે સ્પેનના રોબર્ટા અગુટ પર જીત મેળવી હતી. આ મેચ બે કલાક અને ૪૮ મિનિટ સુધી ચાલી હતી. આ મેચ જાકોવિકે ૬-૨, ૪-૬, ૬-૩, ૬-૨થી જીતી લીધી હતી.