નવીદિલ્હી : અયોધ્યા વિવાદ પર સીજેઆઈ રંજન ગોગોઈના નેતૃત્વમાં બે જજની બેંચ દ્વારા ત્રણ જજની બેંચની રચના કરીને ૧૦મી જાન્યુઆરીના દિવસે સુનાવણી કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ આને લઇને જુદી જુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ફારુક અબ્દુલ્લાએ પણ હવે સીધી પ્રતિક્રિયા આપી છે. સૌથી ચોંકાવનારુ નિવેદન નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા દ્વારા કરવામાં આવ્યું હતું. અબ્દુલ્લાએ કહ્યું હતું કે, આ મામલે ચર્ચા થવી જોઇએ અને ઉકેલ શોધી કાઢવાના પ્રયાસ થવા જોઇએ.
આ મામલાને કોર્ટમાં લઇ જવાની જરૂર શું છે. તેમને વિશ્વાસ છે કે, વાતચીત મારફતે આ વિવાદનો ઉકેલ આવી શકે છે. અબ્દુલ્લાએ કહ્યું હતું કે, ભગવાન રામ માત્ર હિન્દુ લોકોના નથી બલ્કે સમગ્ર દુનિયાના છે. ભગવાન રામથી કોઇને દુશ્મની નથી અને હોવી પણ જોઇએ નહીં. મામલાને ઉકેલવાના પ્રયાસો ઝડપથી થવા જોઇએ. અબ્દુલ્લાએ આ ગાળા દરમિયાન ભાજપ ઉપર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભાજપે છેલ્લા સાડા ચાર વર્ષના ગાળામાં આ મુદ્દે કોઇ પગલા લીધા નથી. મંદિર બનવાથી ભાજપને કોઇ લેવા દેવા નથી. ખુરશી પર બેસવા માટે મંદિર મુદ્દાને ઉઠાવે છે.