ઓસ્કાર એવોર્ડ વિનરની સાથે ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેશન મેળવનાર ફિલ્મ અને તેના કલાકારો હંમેશા ચર્ચામાં રહે છે. ભારત તરફથી દર વર્ષે ફોરેન ફિલ્મ કેટેગરીમાં ભારતીય સિનેમાની બેસ્ટ ફિલ્મોમાંથી કોઈ એક ફિલ્મની પસંદગી કરીને તેને ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે મોકલવામાં છે. ઓસ્કારની રેસમાં અત્યાર સુધી અનેક ફિલ્મો પહોંચી છે પરંતુ ઓસ્કાર જીતવામાં અસફળ રહી છે. આ વર્ષે આગામી ૨-૩ મહિનામાં અનેક ભાષામાં બનેલી ભારતીય ફિલ્મોમાંથી કોઈ એક ફિલ્મને ઓસ્કારમાં મોકલવામાં આવશે. જેની ચર્ચા અત્યારથી જ શરુ થઈ ગઈ છે. અનેક ફિલ્મ ક્રિટીક્સનું કહેવું છે કે, આ વર્ષે ભારત તરફથી ઓસ્કાર માટે ‘ઇઇઇ’ જ બેસ્ટ ઓપ્શન છે.
બીજા અનેક વિવેચકોનું કહેવું છે કે, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ઈમ્પેક્ટફુલ ફિલ્મ છે અને તે ઓસ્કાર માટે પ્રબળ દાવેદાર બની શકે છે. હવે, ‘RRR’ અને ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ની ચર્ચાઓ વચ્ચે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’નું નામ સામે આવ્યું છે. આલિયા ભટ્ટને મુખ્ય પાત્રમાં ચમકાવતી આ ફિલ્મે કોરોનાની થીયેટર્સ પર થોડી ઘણી અસર વચ્ચે પણ શાનદાર બિઝનેસ કર્યો હતો અને તેણે બોક્સ ઓફિસ પર લગભગ રૂપિયા ૧૨૦ કરોડની કમાણી કરી હતી.
ભારત ઉપરાંત, વિશ્વભરના અનેક ફિલ્મ ફેસ્ટિવલ્સમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ થયું હતું અને આ ફિલ્મે ગ્લોબલ ઓડિયન્સની પણ વાહવાહી લૂંટી હતી. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’નું નામ ઓસ્કાર એન્ટ્રી માટે સામે આવવાની સાથે જ, કોન્ટ્રોવર્સી શરૂ થઈ ગઈ છે અને બોલિવૂડ ઉપરાંત વિદેશી ફિલ્મ મેકર્સ પણ આ ફિલ્મને ઓસ્કારમાં મોકલવાના ર્નિણય પહેલા જ તેનો વિરોધ કરી રહ્યા છે. જેની શરૂઆત સૌ પહેલા અનુરાગ કશ્યપે કરી હતી. અનુરાગે આ વિવાદ ઊભો કરતા કહ્યું હતું કે, આ ફિલ્મ ઓસ્કાર નોમિનેશન લાયક નથી અને અનુરાગની આ કોમેન્ટ સામે ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ અનેક સવાલો કરીને ખુલાસો માંગ્યો હતો. અનુરાગ ઉપરાંત, એક જાણીતા કેનેડિયન ફિલ્મ મેકરે પણ આ ફિલ્મ ઓસ્કરની રેસમાં ભારત માટે નિષ્ફ્ળતા જ લાવશે તેવી વાત કહેતા ઓસ્કાર એન્ટ્રી ફિલ્મના વિવાદમાં બળતામાં ઘી હોમ્યું હતું. હજુ, ઓસ્કાર એન્ટ્રી માટેની ફિલ્મ સિલેક્શનની કમિટીએ ફિલ્મો શોર્ટ લિસ્ટ નથી કરી અને ઓસ્કારમાં કઈ ફિલ્મ જશે તે વાત પર હજુ પણ અસમંજસ છે.