શું ભારતમાં પણ ભવિષ્યમાં ઈલેક્ટ્રિક હાઈવે બનાવવામાં આવશે?…

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી નરેન્દ્ર મોદી સરકારમાં સૌથી શ્રેષ્ઠ હાઈવે બનાવવા માટે પ્રખ્યાત છે. વર્ષ ૨૦૧૪માં રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય સંભાળ્યા બાદથી તેમના કાર્યકાળ દરમિયાન અનેક ઉત્તમ એક્સપ્રેસ વે બનાવવામાં આવ્યા છે. નીતિન ગડકરી માત્ર આટલે જ અટક્યા નથી પરંતુ હવે તેમણે દેશની ટ્રાફિક વ્યવસ્થાને વધુ ઝડપી બનાવવા માટે એક મોટી યોજના બનાવી છે. નીતિન ગડકરીએ કહ્યું હતું કે હવે સરકાર નવી દિલ્લી અને આર્થિક રાજધાની મુંબઈ વચ્ચે ઈલેક્ટ્રિક હાઇવે બનાવવાની યોજના બનાવી રહી છે. દુનિયાના કેટલાક દેશોમાં પેટ્રોલ-ડીઝલના ટ્રકને બદલે ઈલેક્ટ્રિક હાઈવે બનાવવામાં આવ્યા છે. ઈલેક્ટ્રિક હાઈવેથી પ્રદુષણની સાથે સાથે અકસ્માતનો ખતરો પણ અનેક અંશે ઓછો થઈ જાય છે.

કહેવાય છે કે ભારતમાં પણ ભવિષ્યમાં ઈલેક્ટ્રિક હાઈવે બનાવવામાં આવશે. ઈલેક્ટ્રિક વાહનો માટે વિવિધ સ્થળો પર ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. વિદેશમાં તમે ટ્રેનોને રસ્તા પર ચાલતા જોઈ હશે, જે ઈલેક્ટ્રિક પર ચાલે છે. બસ એ જ રીતે ઈલેક્ટ્રિક હાઈવે પર ટ્રેનના સ્થાને બસ ચાલશે. જે રીતે ટ્રેનના એન્જિન પર પેન્ટોગ્રાફ લગાવવામાં આવે છે અને તેને ઈલેક્ટ્રિક તાર સાથે જોડવામાં આવે છે, એવું જ કંઈક ઇલેક્ટ્રિક હાઇવે પર જોવા મળે છે. થોડા દિવસો પહેલા જ જર્મનીએ હેસી શહેરમાં ઈલેક્ટ્રિક હાઈવે શરૂ કર્યો છે. આ ઇલેક્ટ્રિક હાઇવે ૯.૬૫ કિલોમીટર લાંબો છે. આ ઈલેક્ટ્રિક હાઈવે પર હાઈબ્રિડ ટ્રકને ચાર્જ કરી શકાય છે.

ઈલેક્ટ્રિક હાઈવેની એક બાજુએ ઈલેક્ટ્રિક વાયરો એ જ રીતે જોવા મળે છે જે રીતે કોઈ રેલવે સ્ટેશન કે મેટ્રો સ્ટેશન પર જોવા મળે છે. જર્મનીના આ ઈલેક્ટ્રિક હાઈવે પર ટ્રેન અને ટ્રામ માટે વપરાતી ઓવરહેડ પાવર લાઇનની જેમ, હાઇબ્રિડ ટ્રક ઓવરહેડ કેબલ અને ચાર્જ સાથે જોડાય છે. આ દરમિયાન તે ૫૦ કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ચાલતો રહે છે. આ અંગે કુલ ખર્ચની યોજના વિષે પણ વાત કહી અને કહ્યું કે જર્મનીના ફેડરલ મંત્રાલય દ્વારા જર્મનીમાં બનેલા ૯.૬૫ કિલોમીટર લાંબા ઈલેક્ટ્રિક હાઇવે બનાવવા માટે ૧૪.૬ મિલિયન યુરો એટલે કે ૧ અબજ ૧૬ કરોડ ૩૬ લાખ રૂપિયા જાહેર કરવામાં આવ્યા હતા. આ સિવાય ટ્રાયલ માટે ૧૫.૩ મિલિયન યુરો બહાર પાડવામાં આવ્યા હતા. ઈલેક્ટ્રિક હાઈવે માટે કોઈ નવો રૂટ બનાવવાની જરૂર નથી, પરંતુ પહેલાથી જ એક્સપ્રેસ વે અથવા હાઈવે પર ઓવરહેડ પાવર દ્વારા કનેક્ટિવિટી પૂરી પાડી શકાય છે. આ સિવાય સરકાર દ્વારા હાલના વાહનોને ફરીથી ડિઝાઇન કરવાની જરૂર છે. જો ભારતમાં ઈલેક્ટ્રિક હાઈવે વાસ્તવિકતા બનશે તો ભવિષ્યમાં તે પ્રદૂષણ નિયંત્રણમાં પણ મદદરૂપ સાબિત થશે.

Share This Article