દેશમાં દોઢ લાખ વેલનેસ સેન્ટર બનશે : મોદી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જુનાગઢમાં ૫૦૦ કરોડના પ્રજા કલ્યાણ અને સર્વાંગી વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનએ સ્વસ્થ ભારત નિર્માણની દિશામાં સિમાચિહ્નરૂપ એવી આયુષ્માન ભારત યોજના પંડીત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૮થી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

સમગ્ર દેશમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું અપગ્રેડેશન કરીને ૧૫૦ વેલનેસ સેન્ટર (આરોગ્ય ધામ) બનાવવામાં આવશે તેમ જણાવી હવે દેશમાં ગરિબાઇને લીધે કોઇ સારવાર વગરનું નહીં રહે તેમ જણાવ્યું હતું. આયુષ્માન ભારત યોજનાથી દેશનું ચિત્ર બદલાઇ જવાનું છે તેમ જણાવી વડાપ્રધાનએ કહ્યું કે, ગરીબ વર્ગના અને મધ્યમ વર્ગના ૧૦ કરોડ પરિવારો જેમાં ૫૦ કરોડ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે થયેલ ૫ લાખ સુધીનો ખર્ચ ભારત સરકાર ભોગવશે. દેશના મેડીકલ સેક્ટરમાં આ યોજનાથી નવું રોકાણ આવશે. તબીબો અને પેરામેડીકલ સ્ટાફ તેમજ મેડીકલ ઇન્સ્ટૃમેન્ટની જરૂરીયાત ઉભી થશે.

સમગ્ર યુરોપ કે અમેરીકા, મેક્સિકોની જેટલી વસ્તી છે તેટલી વસ્તીને આ યોજનામાં આવરી લેવાની હોવાથી આ સેક્ટરમાં ખાનગી ક્ષેત્રનું પણ રોકાણ આવશે. આ યોજનાના કેન્દ્રમાં દેશનો ગરીબ માણસ છે અને આર્થિક બોજ વગર સ્વસ્થ જીવન જીવવા મળે તે દિશામાં અત્યાર સુધીનું આ મોટું કાર્ય છે. પ્રત્યેક ત્રણ લોકસભાની બેઠક દીઠ એક મેડિકલ કોલેજ અને એક સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવશે, બાદમાં ક્રમશઃ પ્રત્યેક જિલ્લામાં આ સુવિધા ઉભી કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું.

વડાપ્રધાનએ સ્વચ્છ ભારત અભિયાનનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ યોજનાથી ૩ લાખ બાળકોને બીમારીથી થતા મૃત્યુમાંથી ઉગારી શકશે તેવો રીપોર્ટ આપ્યો છે. ઘણા  લોકો શૌચાલય નિર્માણ જેવી બાબતોને ક્ષુલ્લક ગણતા. હકીકતમાં સ્વચ્છતાએ પાયાનું કામ છે તેમ પણ ઉમેર્યું હતું. દેશના ખેડૂતોમાં પથ્થર પર પાટુ મારીને સોનુ ઉગાડવાની તાકાત છે તેમ જણાવીને અગાઉની સિંચાઇ અંગેની નિષ્ક્રીય થયેલી યોજનાઓને સંકલીત કરીને પ્રધાનમંત્રી સિંચાઇ યોજનામાં ૧ લાખ કરોડ ફાળવીને ખેતરે-ખેતરે સિંચાઇનું પાણી મળે તે દિશામાં વિરાટ કાર્ય આગળ ધપી રહ્યું છે તેમ મોદીએ જણાવ્યું હતું. વડાપ્રધાનએ ગુજરાત સરકારની સૌર ઉર્જા આધારીત વીજળી ઉત્પાદન કરવાની યોજનાની પ્રશંસા કરી વધારાની વીજળી સરકાર ખરીદી કરશે.  તેથી પર્યાવરણને ફાયદો અને ખેડુતની આવક વધશે તેમ કહ્યું હતું. વડાપ્રધાને પ્રધાનમંત્રી જન ઔષધી યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગને દવાના ખર્ચમાં ૭૦ થી ૮૦ ટકા ઘટાડો થયો છે, તેમ કહી આ દિશામાં અગાઉની સરકારે કશું વિચાર્યું જ ન હતું તેવી ટકોર કરી હતી.

દેશના ખેડુતની આવક બમણી કરવાના નિર્ધાર સાથે કેન્દ્ર સરકાર પરિણામ લક્ષી કામો કરી રહી છે તેમ જણાવી મધમાખી ઉછેરની નીતિને પ્રોત્સાહિત કરતા ખેડુતો દ્વારા ઉત્પાદિત કરાવેલ મધની નિકાસ એક જ વર્ષમાં બમણી થઇ ગઇ છે તેમ જણાવી ઉત્પાદન ખર્ચ ઘટાડવા ખેડુત સૂર્ય શક્તિથી વીજળી ઉત્પન્ન કરી રહ્યો છે તેમ જણાવ્યું હતું.  જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના યોગદાનનો ઉલ્લેખ કરી ફીશરીઝ કોલેજથી રોજગારીની સાથે સત્સ્ય ઉત્પાદનમાં નવી ટેકનોલજીનો અને જ્ઞાનનો સમન્વય થશે તેમ જણાવ્યું હતું. વડાપ્રધાનએ એમ પણ કહ્યું કે, કેન્દ્ર સરકારે ખેડુતોના કૃષિ પાકના કુલ ઉત્પાદન ખર્ચનો દોઢ ગણો ભાવ (એમ.એસ.પી.) નક્કી કર્યો છે. હવે ખેડુતોને નુકશાની સહન નહીં કરવી પડે તેમ પણ કહ્યું હતું.

Share This Article