૧.૬૦ કરોડથી વધુના ખર્ચે વર્ટિકલ ગાર્ડન બનશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ :અમદાવાદ શહેરમાં હવે વર્ટિકલ ગાર્ડન શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરશે. રૂટીન બાગ-બગીચા ઉપરાંત આ નવા કન્સેપ્ટથી તૈયાર થનારા વર્ટિકલ ગાર્ડન નાગરિકોમાં આકર્ષણનું કેન્દ્ર અને ધ્યાન ખેંચનારા બની રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા આશરે રૂ.૧.૬૦ કરોડથી વધુના ખર્ચે વર્ટિકલ ગાર્ડન ઉભા કરવાનું આયોજન હાથ ધરાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોલા બીઆરટીએસ બસ સ્ટેન્ડની બહારની દીવાલ પર વર્ટિકલ ગાર્ડનના એક નવતર પ્રયોગનું તત્કાલીન મેયર ગૌતમ શાહના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

આ પ્રયોગ સફળ જતાં હવે શહેરમાં ફ્‌લાય ઓવરબ્રિજ અને સાબરમતી રિવર ફ્રન્ટની નદી તરફની દીવાલ પર પણ વર્ટિકલ ગાર્ડન ઊભા કરવામાં આવશે. ખાસ કરીને  શહેરના શિવરંજની, હેલ્મેટ સર્કલ, સીટીએમ સહિતના પાંચ ઓવરબ્રિજ તેમજ સાબરમતી રિવરફ્રન્ટની નદી તરફની દીવાલ પર વર્ટિકલ ગાર્ડન ઊભા કરશે તેમ મ્યુનિસિપલ બગીચા વિભાગના વડા જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે વલ્લભસદન અને પૂર્વ કાંઠે સુભાષબ્રિજની નદી તરફની દીવાલને વર્ટિકલ ગાર્ડન માટે પસંદ કરાઈ છે. જે અંગે આગામી દિવસોમાં કામગીરી હાથ ધરાશે.

શહેરમાં કુલ ૨૦ હજાર ચો. ફૂટની વિવિધ જગ્યાએ સેમ્પલ વર્ટિકલ ગાર્ડન ઊભા કરાશે. જેની પાછળ અંદાજે રૂ. ૧.૬૦ કરોડ ખર્ચાશે. હાલમાં વર્ટિકલ ગાર્ડનને લગતા ટેન્ડર પ્રસિદ્ધ કરવાની દિશામાં કવાયત ચાલી રહી છે. આગામી દિવસોમાં આ અંગે પ્રગતિશીલ કામગીરી શરૂ થઇ જશે.

Share This Article