રાજકોટમાં એક કૂવામાંથી એક મહિના પહેલા બે વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જે મામલે પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરતા હવે નવો ખુલાસો સામે આવ્યો છે. બે વર્ષની માસૂમ બાળકીની જનેતા એ જ હત્યા કરી હોવાની હચમચાવે એવી હકીકત સામે આવી છે. બાળકી અંગે પતિને શંકા થતા અને બાળકીને માતાનાં પ્રેમીને આપી દેવાનું કહેતા માતાએ જ માસૂમને કૂવામાં ફેંકી હત્યા નિપજાવી હતી. થોરાળા પોલીસે હત્યારી માતાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં ગત ૨૮ ફેબ્રુઆરીનાં રોજ બે વર્ષની માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. આ મામલે પોલીસે સઘન તપાસ કરતા હવે ચોંકાવનારી હકીકત સામે આવી છે. તપાસ અનુસાર, બાળકીનાં જન્મ બાદ પિતાને શંકા હતી કે બાળક પત્નીનાં પ્રેમીનું છે. આ મુદ્દે અવારનવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. દરમિયાન, પતિએ બાળકીને પ્રેમીને આપી આવવાનું કહેતા પત્નીએ બાળકીને કૂવામાં ફેંકી તેણીની હત્યા નિપજાવી હતી.
આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ભાવના ઉર્ફે ભાવુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જો કે, એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી માતા ભાવના ઉર્ફે ભાવુ દ્વારા બાળકની હત્યા પોતાનાં પતિ દ્વારા કરવામાં આવી છે તે પ્રકારની કહાણી ઊભી કરવામાં આવી હતી. આ મામલે થોરાળા પોલીસે આરોપી માતા ભાવનાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.