એશિયા કપ ૨૦૨૩ માટે ટીમ ઈન્ડિયાની જાહેર કરી દેવામાં આવી છે. સોમવારે દિલ્હીમાં BCCIએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકરે ભાગ લીધો હતો. તેમણે બંનેએ વર્લ્ડ કપ અને એશિયા કપની યોજના વિશે વાત કરી હતી. તેમણે એ પણ જણાવ્યું કે એશિયા કપમાં ચહલ અને ધવનને શા માટે તક નથી મળી શકી. ફેન્સ માટે નવાઈની વાત છે કે આ બંને દિગ્ગજ ખેલાડીઓ એશિયા કપની ટીમનો ભાગ નથી.
હાર્દિક પંડ્યાને લગતા એક સવાલ પર ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, ‘હાર્દિક પંડ્યા એક જોરદાર ખેલાડી છે. તે જાણે છે કે તેણે શું કરવાનું છે. તેની સાથે કામ કરવું ખૂબ સારું રહ્યું છે. જો કે ચોથા નંબરના ખેલાડીને રમાડવાથી જ કોઈ ખાસ ફરક પડતો નથી. તમને આખી ટીમ વિજય અપાવે છે. શરૂઆતના ત્રણ ખેલાડીઓ પણ ટીમની બેટિંગમાં ઘણી મદદ કરે છે. તેણે કહ્યું હતું કે અમે ચહલને ટીમમાં લઈ શક્યા નથી કારણ કે અમારી પાસે ખેલાડીઓને સામેલ કરવાની મર્યાદા છે. અમે ચોક્કસપણે તેને વર્લ્ડ કપમાં જોવા માંગીએ છીએ. રિષભ પંત એશિયા કપ માટે તૈયાર નથી. તેને હજુ થોડો વધુ સમય લાગી શકે છે. નવા જ બનેલા ચીફ સિલેક્ટર અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતુ કે, ‘એશિયા કપની ટીમની જાહેરાત કર્યા બાદ અમે ખૂબ જ સારું અનુભવી રહ્યા છીએ. છેલ્લા કેટલાક દિવસોથી અમે ઈજાઓનાં કારણે ટીમની પસંદગીમાં સંઘર્ષ કરી રહ્યા હતા. બે દિગ્ગજ બેટર્સ શ્રેયસ અGયર અને કેએલ રાહુલ ઘાયલ થયા હતા, પરંતુ હવે તેઓ પાછા ફર્યા છે. અમે ફિઝિયો પાસેથી તેનો રિપોર્ટ પણ માંગ્યો છે. આ બંને આપણી ટીમના શ્રેષ્ઠ ખેલાડીઓ છે.
અગરકરે કહ્યું હતું કે આપણી પાસે ૧૭ ખેલાડીઓ છે. આશા છે કે આપણે એશિયા કપમાં ચોક્કસપણે સારું પ્રદર્શન કરીશું. શુભમન ગિલ, ઈશાન કિશન અને શિખર ધવને ભારત માટે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ કમનસીબે તે બધાને ટીમમાં સામેલ કરવા શક્ય નથી. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, પ્રસિધ ક્રિષ્ના, સંજુ સેમસન (રિઝર્વ્ડ).