આ ખરેખર ચિંતાની વાત છે કે ખુશાળ સમુદાયની યાદીમાં પહેલાથી જ પાછળ રહેલ ભારત વધારે પાછળ ધકેલાઇ ગયુ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં ભારત હવે ૧૪૦માં ન્કમાંકે છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રસન્ના રિપોર્ટ ૨૦૧૯માં કેટલીક ચોંકાવનારી વાતો સપાટી પર આવી છે. ગયા વર્ષે ભારત ૧૩૩માં સ્થાને રહ્યા બાદ હવે ૧૪૦માં ક્રમાંક પર ફેંકાઇ જતા જાણકાર લોકોમાં નિરાશાની સાથે સાથે ચિંતા પણ છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત પોતાના પડોશી દેશોના લોકો કરતા ભારતીય સમુદાયના લોકો ઓછા ખુશ છે. રિપોર્ટમાં ફિનલેન્ડ પ્રથમ સ્થાન પર છે. ફિનલેન્ડ સતત બીજા વર્ષે સૌથી ખુશાળ રહેતા દેશ તરીકે છે. ત્યારબાદ યાદીમાં નોર્વે અને ડેનમાર્ક આવે છે. ખુશાળીના મામલે છેલ્લા ક્રમાંક પર બુરુન્ડીના લોકો છે. આ યાદી માટે અર્થશા†ીઓની એક ટીમ દ્વારા જુદા જુદા માપદંડ પર ધ્યાન આપવામાં આવ્યુ હતુ.
જેમાં સમાજમાં સુશાસન, પ્રિતિ વ્યક્તિ આવક, આરોગ્ય, જીવિત રહેવાની વય, વિશ્વાસ, સામાજિક સહકાર, સ્વતંત્રતા અને ઉદારતા જેવા જુદા જુદા પરિબળોને ધ્યાનમાં લીધા હતા. સમુદાયના લોકોને ખુશ કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરનાર તમામ માપદંડને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. રિપોર્ટનો હેતુ જુદા જુદા દેશોના લીડરોને વાસ્તવિકતાથી વાકેફ કરવાનો રહ્યો છે. જુદા જુદા દેશોની યોજના તેમના સામાન્ય લોકોની લાઇફ સ્ટાઇલને સરળ અને ખુશાળ બનાવી દેવામાં ભૂમિકા અદા કરી રહી છે કે કેમ તે બાબતથી નેતાઓને વાકેફ કરવાના ઇરાદાથી આ અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સંયુકત્ત રાષ્ટ્ર દ્વારા માનવીના વિકાસમાં ભારતની સફળતાની નોંધ લેવામાં આવી છે. છતાં ખુશીના મામલે ભારતીય સમુદાયના લોકો એટલા પાછળ કેમ છે તેને લઇને ભારે ચર્ચા છે. આખરે બેચેની કેમ છે. હકીકતમાં છેલ્લા બે અઢી દશકોમાં ભારતમાં વિકાસ પ્રક્રિયા પોતાની સાથે દરેક મામલે ખુબ વધારે અસમાનતા લઇને આવી છે. જે લોકો પહેલાથી જ સમર્થ હતા તે લોકો વધારે તાકતવર થઇ ગયા છે.
એટલે કે જે લોકો પહેલાથી જ અમીર હતા તે લોકો વધારે અમીર બની ગયા છે. અમીર લોકો જે પહેલા લાખોપતિ હતા તે કરોડપતિ થયા છે અને કરોડપતિ હતા તે અબજા પતિ થઇ ગયા છે. એકદમ સામાન્ય વ્યક્તિના જીવનધોરણમાં પણ સુધારો તો ચોક્કસપણે થયો છે. પરંતુ કેટલાક પ્રકારની નવી સમસ્યા પણ તેની સામે આવીને ઉભી રહી છે. આર્થિક પ્રક્રિયામાં સરકારની ભૂમિકા ખુબ ઓછી થઇ છે. પોતાની ભૂમિકાને તે એટલા હદ સુધી જ મર્યાદિત રાખે છે જેટલી તેને રાજકીય રીતે જરૂર હોય છે. જેમ કે ગરીબ લોકો માટે યોજના બની છે તે ચોક્કસ વર્ગને રાહત આપવા સુધી મર્યાદિત રહી છે. તેમને ઉત્પાદન પ્રક્રિયામાં હિસ્સો બનાવી દેવા માટે કોઇ પહેલ કરવામાં આવી નથી. આ પ્રકારના વર્ગ ભુખમરામાંથી બહાર આવ્યા છે પરંતુ શિક્ષણ, આરોગ્ય અને ન્યાય જેવી બાબતોથી વંચિત છે. આ તમામ કારણોસર બેચેની દેખાય છે. સાથે સાથે દેશે જોરદાર પ્રગતિ કરી હોવા છતાં ખુશાળ સમાજ માટેની યાદીમાં ભારત પાછળ છે. આમાં આગળ આવવા માટે ખુશી અને સંતોષ આપતી નિતી જરૂરી છે.