શું તમે ક્યારેય વિચાર્યું છે કે, છીંકતી વખતે આંખો બંધ કેમ થઈ જાય છે? આ માત્ર એક ટેવ નથી, પરંતુ શરીરનું રહસ્યમય રિફ્લેક્સ છે. જેની પાછળ ખૂબ જ રસપ્રદ વૈજ્ઞાનિક કારણ છૂપાયેલું છે. લોકોનું એવું માનવું છે કે, આંખો ખુલી રહી જાય તો કીકીઓ બહાર નીકળી શકે છે, પરંતુ શું હકીકતમાં એવું હોય છે? આ કુદરતી ક્રિયા પાછળ કઈ કઈ નાડીઓ કામ કરે છે અને આ પ્રક્રિયા આપણને કયા જોખમથી બચાવે છે, આવો જાણીએ.છીંક આવવી માનવ શરીરની એક સ્વાભાવિક પ્રક્રિયા છે. જ્યારે નાક અથવા શ્વાસતંત્રમાં કોઈ બાહ્ય કણ, ધૂળ, એલર્જન અથવા બેક્ટેરિયા પ્રવેશે છે ત્યારે શરીર તેને બહાર કાઢવા માટે અચાનક દબાણ બનાવે છે અને નાક-મુખ દ્વારા હવાને જોરદાર રીતે બહાર કાઢે છે. તેને જ sneeze reflex કહેવાય છે. પરંતુ આ રિફ્લેક્સ દરમિયાન સૌથી ધ્યાન ખેંચતી વસ્તુ છે — છીંક આવે ત્યારે આંખો આપમેળે બંધ થઈ જવી. ખાસ વાત એ છે કે બાળક હોય કે વૃદ્ધ, સૌમાં આ પ્રક્રિયા એકસરખી જોવા મળે છે.ઘણા વર્ષોથી એક માન્યતા છે કે છીંક આવે ત્યારે આંખો ખુલ્લી રાખીએ તો દબાણને કારણે આંખની કીકીઓ બહાર આવી શકે છે. જોકે વૈજ્ઞાનિકોએ આ દાવાને ખોટો ઠેરવ્યો છે. આવું ક્યારેય બને છે તેવું કોઈ પુરાવા મળ્યા નથી. છીંક દરમિયાન આંખો બંધ થવી એક સ્વાભાવિક રક્ષણાત્મક પ્રક્રિયા છે, કોઈ જોખમકારક સ્થિતિ નથી.આ પાછળનું સાચું કારણ વધુ તર્કસંગત અને વૈજ્ઞાનિક છે. છીંક સમયે મોઢામાંથી લાખો માઇક્રોબ્સ, બેક્ટેરિયા અને હવામાં રહેલા નાના-મોટા કણો બહાર નીકળે છે. જો આંખો ખુલ્લી હોય તો એ કણો સીધા આંખના સંવેદનશીલ ભાગોમાં જઈ શકે છે. તેથી શરીર આપમેળે આંખો બંધ કરી દે છે જેથી આંખોને સંક્રમણથી બચાવી શકાય. આ protective reflex છે, જે આપણને સંભવિત બીમારીઓથી બચાવે છે.વિશેષજ્ઞો કહે છે કે છીંક વખતે આંખો બંધ થવાનું મુખ્ય કારણ છે ટ્રાઈજેમિનલ નસ. આ નસ ચહેરો, આંખ, નાક, મોં અને જડબાને નિયંત્રિત કરે છે. જ્યારે નાકમાં કોઈ ચીડ ઉભી થાય છે અને મગજ છીંક આવવાનો આદેશ આપે છે, ત્યારે આ સંદેશ ટ્રાઈજેમિનલ નસ સુધી પહોંચે છે. ત્યાર બાદ નસ પોતાની રક્ષણાત્મક સિસ્ટમ સક્રિય કરે છે અને આંખોની પેશીઓને તરત જ બંધ કરી દે છે. આ રિફ્લેક્સ એટલું ઝડપી હોય છે કે તેને રોકવું લગભગ અશક્ય છે.છીંકને જબદસ્તીથી રોકવાનો પ્રયાસ શરીર માટે હાનિકારક થઈ શકે છે. આમ કરવાથી નાક, કાન અને આંખોમાં અનાવશ્યક દબાણ પડે છે અને કેટલીક પરિસ્થિતિમાં રક્તવાહિનીઓને પણ નુકસાન પહોંચી શકે છે. તેથી નિષ્ણાતો કહે છે કે છીંકને હંમેશા સ્વાભાવિક રીતે આવવા દેવી જોઈએ.