ભાવનગરમાં લગ્નના દિવસ જ વરરાજાએ કેમ કરી દુલ્હનની હત્યા? આ એક કારણના લીધે દુલ્હો બની ગયો શેતાન

Rudra
By Rudra 3 Min Read

ભાવનગર: શહેરમાં લગ્નના દિવસે જ દુલ્હનની તેના જ મંગેતરે કરપીણ હત્યા કરી હતી. આ મામલે પોલીસ તપાસમાં હાલ ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે. પોલીસે આપેલ માહિતી અનુસાર, આ યુવક-યુવતી છેલ્લા એક-દોઢ વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા, જેમાં આરોપી યુવક પર પહેલેથી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેથી યુવતીના પરિવારજનો તેના આ લગ્નથી બિલકુલ સહમત નહોતા, છતાં પણ દીકરીની ખુશી માટે તેઓ અંતે આ લગ્ન માટે રાજી થયા હતા, ત્યારે હવે સવાલ એ ઉઠે કે, લિવ-ઇનમાં રહેતા આ યુવક-યુવતીના પરિવારની સહમતી બાદ સામાજિક રીતિ રિવાજ મુજબ લગ્ન થવાના હતા, તો પછી ફેરા ફરવાના કલાકો પહેલા જ એવું તે શું થયું કે, આખું શહેર હચમચી ગયું?

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક સોની રાઠોડ છેલ્લા એક-દોઢ વર્ષથી આ સાજન બારૈયા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. આરોપી પર પહેલાથી જ હત્યાનો પ્રયાસ, લૂંટ અને શરીર સંબંધિત ગુના નોંધાયેલા હોવાથી સોનીનો પરિવાર તેઓના લગ્નથી વિરોધમાં હતો, જોકે દીકરીની ખુશી માટે પરિવારે અંતે જીદ છોડી અને બંનેના ધામધૂમથી સામાજિક રીતિ-રિવાજ મુજબ લગ્ન નક્કી કર્યા હતા. આ માટે તેઓએ લગ્નની કંકોત્રી પણ છપાવી હતી અને ગઈકાલે જ એટલે 15 નવેમ્બરે બંને રિવાજ મુજબ અગ્નિની સાક્ષીમાં ફેરા ફરી એકબીજા સાથે જન્મોજનમના બંધનમાં બંધાવાના હતા. તો પછી કેમ ખેલાયો લગ્નના દિવસે ખુની ખેલ?

14 નવેમ્બરે સોની રાઠોડની હલ્દી વિધિ પૂર્ણ થઈ હતી. ત્યારે પણ સાજન બારૈયા ત્યાં હાજર હતો અને રાત્રિના સમયે તે જ વિસ્તારમાં અન્ય પાડોશી સાથે માથાકૂટ કરી હતી. મળતી માહિતી મુજબ આ માથાકૂટ એટલી હદે વધી ગઈ હતી કે, રાત્રે જ આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને સાજન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

ઘટનામાં આગળ વધતા, રાતનો સમય વિત્યો અને આવી 15 નવેમ્બરની તારીખ એટલે કે જાન આગમનનો દિન. સવારનો સમય હતો અને થોડા જ કલાકોમાં સોની અને સાજન બંને પરિવારજનોની હાજરીમાં લગ્ન ગ્રંથીથી જોડવાના હતા. પોલીસે આપેલી માહિતી અનુસાર, જાન આગમનના દિવસે વહેલી સવારે સાજન દુલ્હન સોની પાસે આવ્યો હતો. દરમિયાન બંને વચ્ચે લગ્નનું પાનેતર અને પૈસા બાબતે થોડી બોલાચાલી શરૂ થઈ હતી, આ બોલાચાલી ઉગ્ર બનતા બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. ઝઘડા દરમિયાન સાજન અચાનક ઉશ્કેરાઈ ગયો અને તે લોખંડની પાઇપ લઈ દુલ્હન સોની પર તૂટી પડ્યો. સાજને સોનીના માથાના ભાગે લોખંડની પાઇપના આડેધડ ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ઘટના દરમિયાન સામાન તૂટવાનો તથા બૂમ અને ચીસોના અવાજ સંભળાતા આસપાસના લોકો તથા પરિવારજનો ઘરમાં દોડી આવ્યા હતા અને ઘરનું દ્રશ્ય જોતા જ તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે ઘરનો બધો જ સામાન વેરવિખેર પડ્યો હતો અને આખું ઘર રક્તરંજિત થઈ ગયું હતું. સોનીના હાથ પર મહેંદીનો રંગ હજુ ચઢ્યો પણ નહોતો અને લગ્નનો માંડવો મોતના માતમમાં ફેરવાયો હતો. જે બાદ સ્થાનિકોએ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

 

 

Share This Article