આખરે બેન્ક વાળા ક્રેડિટ કાર્ડ માટે કેમ તમારી પાછળ પડી જાય છે? જાણો તેઓને કેવી રીતે થાય છે ફાયદો

Rudra
By Rudra 3 Min Read

Credit card: મોલ હોય કે શોપિંગ સેન્ટર લોકો તમને ક્રેડિટ કાર્ડ માટે અપ્રોચ કરતા જોવા મળશે. આ ઉપરાંત ફોન પર પણ વારંવાર ક્રેડિટ કાર્ડ માટે ફોન આવતા રહે છે. આખરે કેમ ક્રેડિટ કાર્ડ માટે બેન્ક ગ્રાહકો સાથે સંપર્ક કરવામાં આવે છે. કેમ લોકોને હંમેશા ક્રેડિટ કાર્ડના ફાયદા ગણાવીને લેવા માટે કહેવામાં આવે છે? આખરે બેન્કને શું ફાયદો થાય છે? ચાલો તમને જણાવીએ.

ભારતમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. બેંકો તરફથી ક્રેડિટ કાર્ડ પર વિવિધ પ્રકારની ઓફર્સ પણ આપવામાં આવે છે. ક્રેડિટ કાર્ડનો અર્થ એ છે કે યુઝર તેના દ્વારા બજારમાંથી કોઈપણ વસ્તુ ક્રેડિટ પર ખરીદી શકે છે. પેમેન્ટ કરવા માટે આશરે 45 દિવસનો સમય મળે છે. સમયસર પેમેન્ટ કરવાથી કેશબેક અને રિવોર્ડ્સ પણ મળે છે. આથી યુઝરને ફાયદો થાય છે અને સાથે સાથે બેંકોને પણ નફો મળે છે.

બેંકો કમાણી કેવી રીતે કરે છે?

RBIના ડેટા મુજબ, 2025ની શરૂઆત સુધી ભારતમાં 11 કરોડથી વધુ એક્ટિવ ક્રેડિટ કાર્ડ્સ છે. ક્રેડિટ કાર્ડ બેંકો માટે એક બિઝનેસ મોડલ જેવું છે, જેમાં તેઓ વ્યાજ દર (ઇન્ટરેસ્ટ રેટ) અને અન્ય ચાર્જીસમાંથી નફો કમાય છે. ઘણી વખત સમયસર પેમેન્ટ ન કરવાથી બાકી રકમ પર 15થી 40 ટકા સુધીનું વ્યાજ વસૂલવામાં આવે છે.

આ ઉપરાંત, ક્રેડિટ કાર્ડ એન્યુઅલ રિન્યુઅલ ફી, લેટ પેમેન્ટ ફી, ઇન્ટરચેન્જ ફી, કેશ એડવાન્સ ફી, બેલેન્સ ટ્રાન્સફર ફી, EMI કન્વર્ઝન ફી જેવા અનેક ચાર્જીસ દ્વારા પણ બેંકોને સારી કમાણી થાય છે. એ જ કારણે બેંકો કસ્ટમર્સની સંખ્યા વધારવા અને ગ્રાહકોના ખર્ચને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકે છે.

ઇન્ટરચેન્જ ફી શું છે?

જ્યારે તમે ક્રેડિટ કાર્ડથી કોઈ વસ્તુ ખરીદો છો, ત્યારે બેંક મર્ચન્ટ અથવા દુકાનદાર પાસેથી ટ્રાન્ઝેક્શનની 1થી 3 ટકા સુધીની કમિશન લે છે. આને જ ઇન્ટરચેન્જ ફી કહેવામાં આવે છે, જેનાથી બેંકની કમાણી થાય છે.

કેશ એડવાન્સ ફી કોને કહેવાય?

જ્યારે તમે ક્રેડિટ કાર્ડ દ્વારા ATM અથવા બેંકમાંથી રોકડ ઉપાડો છો, ત્યારે ઉપાડેલી રકમ પર 2.5થી 5 ટકા સુધીની ફી લેવામાં આવે છે. એટલું જ નહીં, આ રકમ પર તરત જ વ્યાજ લાગવાનું શરૂ થઈ જાય છે, એટલે કે કોઈ ગ્રેસ પીરિયડ મળતો નથી. વ્યાજ એ જ દિવસથી લાગુ પડે છે.
ઉદાહરણ તરીકે, જો તમે 10,000 રૂપિયા કેશ એડવાન્સ રૂપે ઉપાડો અને તેના પર 3 ટકા ફી લેવામાં આવે, તો બેંક ટ્રાન્ઝેક્શન ફી તરીકે તરત જ 300 રૂપિયા કમાઈ લે છે. તેની ઉપર વ્યાજથી અલગ કમાણી પણ થાય છે.

ક્રેડિટ કાર્ડથી ખર્ચમાં વધારો

જાન્યુઆરી 2025માં ભારતમાં ક્રેડિટ કાર્ડ દ્વારા થયેલો ખર્ચ 10.8 ટકા વધીને 1.84 ટ્રિલિયન રૂપિયા (1,84,000 કરોડ રૂપિયા) થયો હતો, જો કે તે અગાઉના મહિનાની સરખામણીમાં થોડો ઓછો હતો. ક્રેડિટ કાર્ડ યુઝર્સને અનેક ફાયદા આપે છે, જેમ કે રિવોર્ડ સ્કીમ, કેશબેક, ટ્રાવેલ પર ડિસ્કાઉન્ટ અને ક્રેડિટ સ્કોર બનાવવાની તક. આજકાલ ઘણા ભારતીયો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પોતાની ક્રેડિટ હિસ્ટ્રી બનાવી રહ્યા છે, જે ભવિષ્યમાં લોન લેવા માટે ખૂબ જરૂરી છે.

Share This Article