થોડા સમય પહેલા રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભાજપના એક સિનિયર નેતા તેને આપેલા ઉછીના રૂપિયા પરત આપી રહ્યા નથી. આર્થિક વ્યવહારોને લઈને ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો હતો. હવે આ મામલામાં કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે.કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે દાવો કર્યો છે કે, રામ મોકરીયાએ મોટી રકમ કોઈને ઉછીની આપી હોય તો તેનું રાજ્યસભાના ઉમેદવાર તરીકેના સોગંદનામામાં ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો નથી.
આ મુદ્દે કોંગ્રેસે સવાલ ઉઠાવતા આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. જોકે આ મુદ્દે રામ મોકરીયાએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.મહેશ રાજપૂતે કહ્યું હતું કે જ્યારે પણ કોઈ ઉમેદવાર કોઈપણ ચૂંટણી લડતા હોય ત્યારે તેમણે મિલકતો,દેવું,રોકડ રકમ સહિતની વિગતો સોગંદનામામાં રજૂ કરવી પડે તો રામ મોકરિયાએ આ રકમ વિશે કેમ ઉલ્લેખ કર્યો નથી.આ મિલકલ કાં તો કાળું નાણું હોઇ શકે છે.મહેશ રાજપૂતે દાવો કર્યો છે કે આ મુદ્દે તેઓ ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરશે અને સભ્યપદ રદ્દ કરવામાં આવે તેવી માંગ કરશે,આ વિવાદમાં રામ મોકરિયાને રૂપિયા કોની પાસેથી લેવાના છે તે અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી ત્યારે કોંગ્રેસે કહ્યું હતું કે રાજકોટના બે નેતાઓ ગુજરાત બહાર હોદ્દો ધરાવે છે તેમાં વિજય રૂપાણી અને વજુભાઇ વાળા છે ત્યારે આ બંન્નેમાંથી કોઇ એક નેતા હોય તેવો દાવો કોંગ્રેસે કર્યો હતો.કોંગ્રેસના આક્ષેપો અંગે સાંસદ રામ મોકરિયાને પૂછતા તેઓએ કંઇપણ બોલવાનો ઇન્કાર કર્યો હતો.રામ મોકરિયાએ દાવો કર્યો હતો કે આ મારી વ્યક્તિગત બાબત છે અને તેનો જવાબ દેવો જરૂરી નથી હું મૌન રહેવા માંગુ છું.આ મુદ્દે મને પાર્ટી પુછશે તો હું જવાબ આપવા તૈયાર છું,જ્યાં સુધી સોગંદનામાની વાત છે તો આ મુદ્દે ફરિયાદ કરી શકે છે.મેં આ રૂપિયા અંગે ક્યારેય કોઇનું નામ લીધું નથી અને લેવા પણ માંગતો નથી.કોંગ્રેસના આક્ષેપોથી આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.