કન્ઝ્યુમર અફેર મંત્રાલય દ્વારા ટૂંકમાં જ બહાર પાડવામાં આવનાર નવી માર્ગદર્શિકા જો રેન્સ્ટોરન્ટ કે હોટેલ ફરજીયાત સર્વિસ ચાર્જ વસૂલે તો લોકોને ગ્રાહક કમિશન અને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીનો સંપર્ક કરવા સક્ષમ બનાવશે. મહત્વનું છે કે મંત્રાલયે દેશમાં સર્વિસ ચાર્જને લઈને છેડાયેલ વિવાદ વચ્ચે તેને વસૂલવાનું બંધ કરવાનું કહ્યું હોવા છતાં કેટલાક હોટલ અને રેસ્ટોરન્ટ્સ સર્વિસ ચાર્જ માંગે છે. મંત્રાલયે કહ્યું કે ટીપ તરીકે કોઈપણ રકમ ચૂકવવી તે સંપૂર્ણપણે ગ્રાહકો પર ર્નિભર રહે છે અને ખાણીપીણીની દુકાનો ખાદ્ય ચીજવસ્તુઓના દર કરતાં પ્રત્યક્ષ કે આડકતરી રીતે કોઈપણ ચાર્જ વસૂલ કરી શકશે નહીં. સૂત્રોએ જણાવ્યું હતું કે મંત્રાલય આગામી થોડા દિવસોમાં નવી માર્ગદર્શિકા સાથે બહાર આવશે, જેમાં ગ્રાહકોને આ પ્રકારના ચાર્જનો સામનો કરવા માટે કાયદાકીય સમર્થન મળી રહેશે.
“નવી માર્ગદર્શિકામાં બિલમાં કોઈપણ પ્રકારના સર્વિસ ચાર્જનો સમાવેશ કરવા માટે કોઈ સ્થાન રહેશે નહીં. અગાઉ ખાણીપીણીની દુકાનો કે હોટેલ્સ દ્વારા લગાવાતા આવા ચાર્જ સામે તકરાર કરવા અને નિવરાણ મેળવવા માટે નિયમોમાં કોઈ જોગવાઈ નહોતી. અગાઉના ગ્રાહક સુરક્ષા કાયદામાં CCPA માટે કોઈ જોગવાઈ નહોતી, જે હવે ગ્રાહકોની ચિંતાઓને દૂર કરવા માટે નોડલ ઓથોરિટી છે.” તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. ૨૦૧૭ માં જારી કરાયેલ અગાઉની માર્ગદર્શિકા જે એક પ્રકારે ફક્ત એડવાઈઝરી જ હતી તેમાં બિલના પ્રિન્ટિંગ સર્વિસ ચાર્જની વૈકલ્પિક જોગવાઈ હતી. પરંતુ આ એડવાઈઝરીમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આવા હેડ સામેની જગ્યા ખાલી રાખવાની રહેશે અને કોઈપણ રકમ ભરવી કે ન ભરવી તેની ઈચ્છા ગ્રાહક પર રહેશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ જોગવાઈએ ગ્રાહકો અને ખાણીપીણીના સંચાલકોના મનમાં પણ થોડી અસ્પષ્ટતા ઊભી કરી હતી, તેથી નવી માર્ગદર્શિકા સ્પષ્ટ કરશે કે સર્વિસ ચાર્જ વસૂલવું ગેરકાયદેસર છે. મંત્રાલયે અગાઉ ઉદ્યોગના પ્રતિનિધિઓને જાણ કરી હતી કે આવા ચાર્જ વસૂલવા સાથે કોઈ કાયદાકીય જોગવાઈ જોડાયેલી નથી અને ગ્રાહકો ઘણીવાર સર્વિસ ચાર્જને ‘સર્વિસ ટેક્સ’ તરીકે લે છે અને અંતે આ ચૂકવી દે છે. મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે સેવા ચાર્જ ચૂકવવાની ગર્ભિત સંમતિ તરીકે રેસ્ટોરન્ટ અથવા હોટલમાં ગ્રાહકના પ્રવેશને ધ્યાનમાં લેવું એ ફૂડ ઓર્ડર આપવા માટે એક પૂર્વવર્તી શરત તરીકે ગેરવાજબી ખર્ચ લાદવા સિવાય બીજું કંઈ નથી. તેમણે કહ્યું હતું કે આ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ પ્રતિબંધિત વેપાર પ્રથા હેઠળ આવે છે અને ૨૦૧૯નો સંશોધિત કાયદો અયોગ્ય કરાર શું છે તે વ્યાખ્યાયિત કરે છે.