ગુજરાતમાં ક્યારથી પડશે ભુક્કા કાઢી નાખતી ઠંડી, જાણો હવામાન નિષ્ણાંતે શું કહ્યું

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ: ગુજરાતમાં વરસાદનું જોર ઓછું થયું છે. તો બીજી બાજુ સવારે અને મોડી સાંજ બાદ ઠંડીનો ચમકારો પણ અનુભવાઈ રહ્યો છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તથા રાજ્યમાં વરસાદ કે ઠંડીની તીવ્રતા વધશે કે નહીં તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીએ આગાહી કરી છે.

હવામાન વિભાગના બુધવારે આપેલા સાંજના વેધર બુલેટિન પ્રમાણે, આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ આગામી છ દિવસ દરમિયાન ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે. આ માહિતી પ્રમાણે, આજથી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.

હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીએ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી છ દિવસ સુધી ઠંડીનો રાઉન્ડ રહેશે. ઉત્તર ગુજરાતમાં 8 ડિગ્રી સુધી તાપમાન ગગડી શકે છે. કચ્છમાં પણ 8-10 ડિગ્રી ઠંડી સંભવ છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો પણ ઠુંઠવાશે. 8થી 18 ડિગ્રી વચ્ચે તાપમાન રહી શકે છે. ઉત્તર ગુજરાત, પૂર્વ કચ્છ અને મધ્ય ગુજરાતના કેટલાક સ્થળોએ તાપમાન 10 ડિગ્રી કરતા પણ નીચે જઈ શકે છે.

અથ્રેયા શેટ્ટીએ વધુમાં જણાવ્યું છે કે, ગુરુવારથી શિયાળાનો અહેસાસ થવા લાગશે. શનિવાર સુધીમાં કડકડતી ઠંડી પડવાનું અનુમાન છે. ગુરુવારથી સવારે ફુલગુલાબી ઠંડીનો અનુભવ થશે. મહત્તમ તાપમાન ઘટીને 26-28 ડિગ્રી થવાની સંભાવના છે. શનિવારથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે. અમદાવાદ, વડોદરામાં 14-16 ડિગ્રી ઠંડીનું અનુમાન છે. રાજકોટમાં પણ તાપમાન 14-16 ડિગ્રી થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં 10થી 12 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે.

 

 

Share This Article