પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ ઈમરાન ખાનની ૯ મેની હિંસા અંગે રવિવારે ઈસ્લામાબાદ પોલીસે પૂછપરછ કરી હતી. આ દરમિયાન ઈમરાનને ૨૫ થી વધારે સવાલો પૂછવામાં આવ્યા હતા. ઈમરાન ખાન વિરુદ્ધ આતંકવાદ વિરોધી અધિનિયમ હેઠળ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ૧૨ કેસ નોંધાયેલા છે. આ કેસના સંબંધમાં ઈમરાન ખાન જોઈન્ટ ઈન્વેસ્ટિગેશન ટીમ (JIT) સમક્ષ હાજર થયો હતો. ઈમરાન ખાનને JIT દ્વારા બે ડઝનથી વધારે સવાલો પૂછવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન ઈમરાન ખાને ૯ મેના રોજ થયેલી હિંસાની ઘટનાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે ૯ મેની ઘટના સાથે મારે કે PTI કાર્યકરોને કોઈ લેવાદેવા નથી. તેમણે દાવો કર્યો હતો કે, આ તેમની અને તેમની પાર્ટી વિરુદ્ધ એક ષડયંત્ર હતું. તેમણે કહ્યું કે, હું આ ઘટનાની જવાબદારી ક્યારેય લઈશ નહીં. ઈમરાને કહ્યું કે, હું આ ઘટનાની જવાબદારી ક્યારેય સ્વીકારીશ નહીં કારણ કે આ કાવતરૂ સરકાર અને કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા રચવામાં આવ્યું છે જે મને અને પક્ષને કાયદાકીય જાળમાં ફસાવવામાં વ્યસ્ત છે.
JITના પ્રશ્નોના જવાબમાં, તેમણે વારંવાર કહ્યું, હું એ દાવા સાથે સહમત નથી કે પીટીઆઈના કાર્યકરો ૯ મેની ઘટનામાં સામેલ હતા કારણ કે મારી પાસે ઘટના સાથે સંબંધિત ષડયંત્રના પુરાવા છે. ઈમરાન ખાને કહ્યું કે, તેઓ મને રાજનીતિમાંથી ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ તેમના ઈરાદામાં સફળ થઈ શકશે નહી. એક સવાલના જવાબમાં ઈમરાને કહ્યું કે, ગયા વર્ષે ૨૫ મેના રોજ તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે અત્યાચાર જોયા છે. SSP યાસિર આફ્રિદી અને SP રૂખસાર મેહદીની આગેવાની હેઠળની JIT એ ઈમરાનને ૨૫ થી વધુ સવાલો પૂછ્યા હતા. ઈમરાન ખાને નિવેદન નોંધાવતા કહ્યું કે, તેમને પાકિસ્તાન અને રાષ્ટ્રીય સંસ્થાન પ્રત્યે કોઈ નફરત નથી. તેમણે કહ્યું, હું પાકિસ્તાની સેના, શહીદો, ગાઝીઓ અને શહીદોના સ્મારકોનું દિલથી સન્માન કરું છું. પૂર્વ વડાપ્રધાને ૭ કેસમાં પોતાના નિવેદન નોંધાવ્યા છે.