કોલક્તા-ભુવનેશ્વર : બંગાળના અખાતમાં ઉદ્ભવીને વિકરાળ શક્તિ સાથે ઓરિસ્સામાં ત્રાટકીને અભૂતપૂર્વ નુકસાન કર્યા બાદ ખતરનાક ફેની તોફાનની પશ્ચિમ બંગાળમાં આજે એન્ટ્રી થઇ હતી. જેની અસર હેઠળ બંગાળમાં પણ ભારે વરસાદ જુદા જુદા વિસ્તારોમાં થયો હતો. બંગાળમાં પણ જનજીવન પર અસર થઈ હતી. ફેનીથી પહેલા ભારતમાં અનેક ચક્રવાતી તોફાનમાં હજારો લોકોના મોત થઈ ચુક્યા છે. કુદરતી હોનારતના કારણે અગાઉના વર્ષોમાં ભારતીય તંત્રને નુકસાનને ટાળવામાં સફળતા મળી ન હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષમાં ટેકનોલોજીમાં સુધાર થયા બાદ ભારતને માનવીય નુકસાન ટાળવામાં સફળતા હાથ લાગી છે. ભારતમાં ક્યારે ક્યારે તોફાન આવ્યા અને તેમાં કેટલા લોકોના મોત થયા તે નીચે મુજબ છે.
- ૧૯૮૮માં ૦૪-બી નામથી આવેલા ખતરનાક ચક્રવાતી તોફાનથી ૨૯મી નવેમ્બરના દિવસે બંગાળ અને બાંગ્લાદેશમાં ભારે નુકસાન થયું હતું. આ તોફાન બંગાળ અને બાંગ્લાદેશી સરહદ પર ટકરાયા બાદ ૬૨૪૦ લોકોના મોત થઈ ગયા હતા.
- ૧૯૯૦માં આંધ્રપ્રદેશમાં સુપર સાઈક્લોન નવમી મેના દિવસે ત્રાટકતા તેમાં ૯૬૭ લોકોના મોત થયા હતા અને ભારે નુકસાન થયું હતું.
- ચોથ ડિસેમ્બર ૧૯૯૩ના દિવસે પુડ્ડુચેરીના દરિયાકાંઠે બોબ-૦૨ તોફાન ત્રાટકતા ૭૦ લોકોના મોત થયા હતા અને ભારે નુકસાન થયું હતું.
- ઓરિસ્સામાં ૧૯૯૯માં સુપર સાઈક્લોનથી ૧૦ હજારથી વધુ લોકોના મોત થયા હતા. અભૂતપૂર્વ નુકસાન થયું હતું. ત્યારબાદથી નવા સાધનો ઉપર કામ શરૂ થયું હતું.
- ૨૦૦૦માં ૨૯મી નવેમ્બરના દિવસે બોબ-૦૫ નામથી ખતરનાક તોફાન તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકતા ૧૨ લોકોના મોત થયા હતા અને ભારે નુકસાન થયું હતું.
- ૨૦૧૩માં ૧૨મી ઓકટોબરના દિવસે ફાલીન નામથી તોફાન ત્રાટકા ૩૦ લોકોના મોત થયા હતા અને સંપત્તિને ભારે નુકસાન થયું હતું.
- ૨૦૧૪માં ઓકટોબરમાં ખતરનાક તોફાન હુડહુડ વિશાખાપટ્ટનમમાં ત્રાટકતા જોરદાર તૈયારી હોવાના કારણે તોફાનમાં કોઈનું મોત થયું ન હતું અને નુકસાન ટળ્યું હતું.
- ત્રીજી મે ૨૦૧૯ના દિવસે ઓરિસ્સામાં દરિયાકાંઠે ફેની તોફાન ત્રાટક્યા બાદ ઓરિસ્સામાં નુકસાન થયું. ઓરિસ્સામાં આઠના મોત થયા. તેની અસર હેઠળ બંગાળ, આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થયો. પુરી સહિતના ધાર્મિક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.