નવી દિલ્હી: વોટ્સએપે પોતાના પ્લેટફોર્મ ઉપર સંદેશના મૂળ સ્ત્રોત અંગે માહિતી મેળવવા માટે સોફ્ટવેર વિકસિત કરવાનો ઇન્કાર કરી દીધો છે. આ સંદર્ભમાં સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. સરકારે કંપનીને આ પ્રકારની ટેકનોલોજી મુકવા માટેની સૂચના આપી હતી પરંતુ વોટ્સએપે પોતાના પ્લેટફોર્મ ઉપર આ પ્રકારની ટેકનોલોજી મુકવાનો ઇન્કાર કરી દીધો છે. સરકાર ઇચ્છે છે કે, વોટ્સએપ એવા સમાધાન શોધે જેના લીધે બનાવટી અથવા ખોટી સૂચનાઓના સોર્સ અંગે માહિતી મેળવી શકાય.
ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની બોગસ સૂચનાઓથી દેશમાં ભીડ દ્વારા માર મારીને હત્યા કરવાની ઘટનાઓ વધી રહી છે. આ સંદર્ભમાં વોટ્સએપના પ્રવક્તાનું કહેવું છે કે, આ પ્રકારના સોફ્ટવેર બનાવવાથી એક છેડેથી બીજા છેડે સુધી એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શનની સ્થિતિ સર્જાશે. વોટ્સએપની અંગત સ્થિતિને અસર થશે. આ પ્રકારની ટેકનોલોજી વિકસિત કરવાથી તેના દુરુપયોગની શક્યતા અનેક ગણી વધી જશે. અમે પ્રાઇવેસી સંરક્ષણને કમજાર કરવા માંગતા નથી.
વોટ્સએપના પ્રવક્તાનું કહેવું છે કે લોકો વોટ્સએપ મારફતે તમામ પ્રકારની સંવેદનશીલ સૂચનાઓની આપલે કરે છે. તબીબો, બેંકો, પરિવારના સભ્યો દ્વારા આ પ્રકારની ગતિવિધિ અપનાવવામાં આવે છે. અમારુ ધ્યાન ભારતમાં અન્યોની સાથે મળીને કામ કરવા અને લોકોને ખોટી સૂચનાઓના સંદર્ભમાં માહિતી આપવાનો રહેલો છે. આના મારફતે લોકોને સુરક્ષિત કરવા માટે અમે ઇચ્છુક છીએ. છેલ્લા કેટલાક મહિનાના ગાળા દરમિાયન વોટ્સએપના પ્લેટફોર્મથી ખોટી સૂચનાઓનો ફેલાવો થઇ રહ્યો છે જેમાંથી ભારતમાં ભીડ દ્વારા માર મારવાની ઘટનાઓ સતત વધી રહી છે. આના કારણે સોશિયલ મિડિયાની ટીકા થઇ છે.