વ્હોટ્સ ધ પ્રોબ્લમ? એટલે કે સમસ્યા શું છે? આજ સુધી કોઈ પણ વ્યક્તિએ આ સવાલનો સંતોષકારક જવાબ શોધવાનો પ્રયાસ કર્યો હોય એવું ક્યાંક ધ્યાનમાં આવ્યું નથી.. કારણ, ફક્ત એ જ કે આપણે આપણા મનને નાની નાની પરિસ્થિતિથી ગભરાઈ જવાની ટેવ પાડી દીધી છે. જ્યાં કોઈ થોડી પણ કટોકટીભરી કે ગૂંચવણભરી પરિસ્થિતિ આવી નથી કે આપણે ગભરાયા નથી. સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ એવી પરિસ્થિતિમાં ઘેરાઈ જઈએ છે કે જેનું સમાધાન તત્પૂરતું આપણા વશમાં નથી, તો એને સમસ્યાનું નામ આપી દઈએ છે. શુ આ કોઈ પ્રોબ્લેમનું સમાધાન છે કે પછી એમ પૂછવું કે આ પ્રોબ્લેમનું કોઈ સમાધાન છે કે નહિ ???
પ્રકૃતિએ આ દુનિયામાં દરેક વસ્તુ જોડીમાં બનાવી છે. નર છે તો નારી પણ છે, ભરતી છે તો ઓટ પણ છે, આશા છે તો નિરાશા પણ છે જ, સફળતા છે તો નિફળતા પણ છે જ. બસ એ જ રીતે સમસ્યા છે તો એનું સમાધાન પણ છે, અને જો મારા દ્રષ્ટિકોણથી જુઓ તો દુનિયામાં સમસ્યા કે પ્રોબ્લેમ નામના કોઈ શબ્દનું અસ્તિત્વ જ નથી.
તાજેતરમાં એક કિસ્સો બન્યો. મારા બે ખાસ જિગરજાન મિત્રો. ખૂબ જ ટૂંકા ગાળાની મિત્રતા છે અમારી પણ અમારું બોન્ડીંગ એટલું મજબૂત થઈ ગયું છે કે રોજ એકાદ વાર તો કોન્ફરન્સ કોલ સમય કાઢીને કરી જ લઈએ. હવે થયું એવું કે એ બંને વચ્ચે કોઈ કારણોસર નાની એવી તકરાર થઈ ગઈ અને શરૂ થઈ ગયા અબોલા. એમાંય જ્યારે ખાસ મિત્રો કોઈ સ્ત્રી મિત્ર હોય ને ત્યારે એમની અંદરોઅંદર અબોલા સ્થાન લે જ. આખો દિવસ મારા વોટ્સએપમાં સન્નાટો રહ્યો અને છેક મોડી રાત્રે મારી પાસે વાત આવી. દિવસ દરમ્યાન મને અંદાજ તો આવી જ ગયેલો કે કઈંક તો બન્યું છે કે જે અકારણ છે, પરંતુ માણસ જ્યાં સુધી પોતાની આંતરિક સૂઝથી પરિસ્થિતિનો હલ લાવવાનું શરૂ કરે ત્યાં સુધી હું પોતાની જાતને ઈનવોલ્વ કરવામાં નથી માનતો. અંતે જ્યારે કોઈ જ મેળ ન પડ્યો અને એમની સો-કોલ્ડ સમસ્યાનું નિવાર ન આવ્યું ત્યારે મારા ફક્ત ત્રણ મેજિકલ વર્ડઝે ફક્ત ત્રણ મિનિટમાં જ સમાધાન લાવી દીધું.
એ ત્રણ મેજિકલ વર્ડઝ એટલે :
- Perception : કોઈ પણ પરિસ્થિતિને જોવાનો નજરિયો.
- Discussion : એ નજરિયો સાચો છે કે ગલત એના વિશે ચર્ચા.
- Conclusion : એ ચર્ચાને અંતે મેળવવામાં આવતો પરફેક્ટ નિષ્કર્ષ.
શું અર્થ કાઢો છો તમે પરશેપ્શન – દ્રષ્ટિકોણ શબ્દનો?
કોઈ પણ પરિસ્થિતિના બે પાસા હોય છે, પરંતુ કોઈ પણ પરિસ્થિતિને એક જ તરફથી જોઈને, જાણીને, એનો તાગ કાઢવો એ આપણો માનવસહજ સ્વભાવ છે. આપણા મને કે મગજે એક વાત સ્વીકારી લીધી કે સામે વાળી વ્યક્તિ આપણને ઈગ્નોર કરે છે કે અટેન્શન નથી આપતી એટલે બસ વાત પૂરી… આપણો નજરિયો ત્યાં જ સમાપ્ત અને આપણી પિન એ જ વાત પર ચોંટી જશે કે “હવે” આપણું પહેલાં જેવું મહત્વ નથી રહ્યું. અચાનક જ કન્વર્ઝેશનમાં “હવે” – શબ્દનો ઉપયોગ થવા લાગશે અને પછી મનમાં ને મનમાં એ બાબત ગૂંચવાતી રહેશે, લાગણીઓ ઘૂંટાતી રહેશે અને શરૂ થશે મૌનવ્રતનો સદાકાળ સિલસિલો.
મારા એ મિત્રોના કેસમાં મારે આ જ કન્સેપ્ટ ક્લિયર કરવો પડ્યો. જ્યાં સુધી માણસ પોતાની જ બાજુથી કોઈ પણ બાબતને અવલોકિત કરશે ત્યાં સુધી અન્ય વ્યક્તિ માટેનો નેગેટિવ નજરિયો નહિ બદલી શકે. એકવાર તો એણે સામેવાળી વ્યક્તિ તરફનું પાસું ચકાસવું જ પડશે. એક મિત્રને લાગતું હતું કે આજકાલ મને પહેલાં જેવો રિસ્પોન્સ નથી મળતો, નાની નાની બાબતમાં એના પર ખિજાઈ જવામાં આવે છે, એને ઈગ્નોર કરવામાં આવે છે. આ હતી એમની સો-કોલ્ડ સમસ્યા. જ્યારે મારી પાસે વાત આવી ત્યારે પહેલાં તો મે બંનેને એકસાથે બેસાડ્યાં અને પછી બીજા મિત્રને પૂછ્યું કે આમનું કહેવું છે કે આજ કાલ એમની સાથે આવું વર્તન કરવામાં આવી રહ્યું છ તો આનું કારણ શુ છે. જવાબ હતો – “મારી નવી નોકરી”.
બસ, ૧૦૦ માંથી ૩૩.૩૩% સોલ્યુશન તો આ એક જ શબ્દમાં આવી ગયું. પહેલાંની જોબ થોડી ફ્રીડમવાળી હતી અને નવી જોબ હોય તો સ્વભાવિક વાત છે કે કામ શીખવાનું હોય, મીટિંગ અટેન્ડ કરવાની હોય કે ફાઈલ્સ તૈયાર કરવાની હોય. દ્રષ્ટિકોણ બદલાયો અને અડધી તકલીફ સોલ્વ.
આ જ બાબત પર્સનલની સાથોસાથ પ્રોફેશનલ લાઈફમાં પણ આવી જ રીતે લાગુ પડે છે. તમે તમારું કામ યોગ્ય રીતે કરો છે, તમારા સિનિયરની ગાઈડલાઈન્સ પ્રમાણે અને એ પછી પણ જ્યારે તમારું કામ ધ્યાનમાં નથી લેવાતું તો એનો એ મતલબ નથી કે તમારા કામની કોઈ કદર કરવામાં નથી આવી રહી. શક્ય છે કે તમારા કરતાં તમારા કોઈ કલીગનું કામ સારૂ હોય, યા એ પણ શક્યતા છે કે તમે જે લેવલ પર તમારુ કામ નોટિસ થાય એમ ઈચ્છો છો, એના કરતાં ચાર ગણા સારા લેવલ પર એને ધ્યાનમાં લેવાનું તમારા ઓર્ગેનાઈઝેશને વિચારી રાખ્યું હોય. આ વાત પર્સનલી મારા પર પણ લાગુ પડી છે. પહેલાં મારો મારા કામને લઈને અને પર્ફોર્મન્સને લઈને દ્રષ્ટિકોણ ખૂબ જ નેગેટિવ હતો પણ મારા બોસ હંમેશા મને એક જ વાત સમજાવતા કે જે દિવસે WITHOUT EXPECTATION OF CONSIDERATION કામ કરીશ અને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને એ દિવસની ખુશી કઈંક અલગ જ હશે.
પેલું તારક મહેતાની સિરિયલમાં કહે છે ને કે પ્રોબ્લેમ્સ તો હૈ સબકે સાથ બસ નજરિયે કી હૈ બાત. બસ એ જ વાત મગજમાં ઉતારવાની છે અને ઉતારી લીધા પછી એને અમલમાં મૂકવાની છે. હવે આવતા અંકે ડિસ્કશન એટલે કે ચર્ચા વિશે સમજીશું…