આગામી સમય દરમિયાન સંભવિત વાવઝોડાની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે જરૂરી બચાવ કામગીરીના પગલા સમયસર લેવા અંગેની કાર્યવાહી કરવાની રહે છે.
સંભવિત વાવાઝોડા પહેલા લેવાના પગલાઓઃ
નવું મકાન બાંધતી વખતે વાવઝોડા પ્રતિરોધક બાંધકામ માટેની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઇએ. જરૂર હોય ત્યાં સિમેન્ટ વડે ઢીલા ટાઇલ્સને બરાબર બેસાડવા જોઇએ અને બારી-બારણાનું સમારકામ કરાવી લેવું જોઇએ. મકાનની આસપાસના વિસ્તારને ચકાસી સુકાઇ ગયેલા અથવા પડી જાય તેવા વૃક્ષો દૂર કરવા, કાપેલા વૃક્ષોના લાકડાઓ જથ્થો, ઢીલા ઝીંક સીટસ, ઢીલી ઇંટો, કચરાના પીપ, સાઇન બોર્ડ જેવી દૂર કરી શકાય તેવી ચીજવસ્તુઓને દૂર કરી દેવી જોઇએ. કેટલાક લાકડાના બોર્ડ તૈયાર રાખો કે જેથી કાચની બારીઓ મૂકી શકાય. વાવઝોડા માટેના ફાનસને કેરોસીનથી ભરેલા રાખો તથા ફલેશ લાઇટ, દિવાસળી, મીણબત્તી તથા વધારાના ડ્રાય સેલ પણ તૈયાર રાખવા જરૂરી છે. જર્જરિત-અસલામત મકાનોને તાત્કાલિક તોડી પાડવા જોઇએ.
વાવાઝોડા દરમિયાન મકાન ચકાસી, બારી-બારણાનું સમારકામ કરાવવું જોઇએ. રેડિયો સેટ હોય તેમણે રેડિયો સંપૂર્ણપણે કાર્ય કરી શકે તેવો છે કે કેમ? ટ્રાન્સીટરના કિસ્સામાં બેટરીનો એક વધારાનો સેટ હાથવગો રાખવો જરૂરી છે. રેડિયો ચાલુ રાખવો જોઇએ. અને આકાશવાણીના સૌથી નજીકના સ્ટેશનથી હવામાનની છેલ્લામાં છેલ્લી ચેતવણી-સૂચનાઓ ધ્યાનથી સાંભળવી જોઇએ. અન્ય સુધી પણ આ માહિતી પહોંચતી કરવી જોઇએ. ઝરણા-નદીના વહેતા પાણીમાં જવાનું જોખમ ખેડવું જોઇએ નહિ. ભારે વરસાદથી આવેલા પાણીમાં મોજાનું તોફાન થઇ શકે છે. કાચની બારીઓના સ્થાને શટર લગાવવા જોઇએ.
વધારાના ખોરાક અને વધારાના પીવાના પાણીનો સંગ્રહ કરી રાખવો. ખાસ કરીને રાંધવાની જરૂર ન પડે તેવા ખોરાકનો સંગ્રહ કરી રાખવો જોઇએ. વૃધ્ધો-બાળકો માટે ખાસ પ્રકારના જરૂરી ખોરાકની જોગવાઇ કરવી. કિંમતી ચીજવસ્તુ તણાઇ ન જાય તે માટે તેને સલામત સ્થળે ઉપરના માળે ચઢાવી દેવા જોઇએ અથવા છાપરા સાથે બાંધી દેવા જોઇએ. કટોકટીને પહોંચી વળવાની તમારી ક્ષમતા, શક્તિ આપશે જે બીજાને પણ સહાય કરશે. આવા સંજોગોમાં શાંતિ જાળવવી જોઇએ. સૂચના ન મળે ત્યાં સુધી આશ્રય સ્થાનમાં રહેવું જોઇએ. આશ્રયસ્થાનમાં સંચાલકની સૂચનાનું પાલન કરવું જોઇએ.
કેન, ટીન તેમજ છૂટા રહેતા અન્ય સાધનોને છૂટાં રાખવા નહિ. પવનના તોફાન દરમિયાન તે વિનાશના હથિયારસમા પણ નિવડી શકે. અફવા ફેલાવશો નહિ કે સાંભળશો નહિ. રેડિયો દ્વારા આપવામાં આવતી અધિકૃત્ત ચેતવણીઓ સાંભળવી જોઇએ. નીચાણવાળા વિસ્તારના મકાનો ખાલી કરવાની સૂચના હોય ત્યારે વધુ સમય માટે એ મકાનોમાં રોકાવું જોઇએ નહિ. કારણ કે તેમાં ડૂબી જવાનું જોખમ રહે છે. તોફાન દરમિયાન એકાએક હવામાન ચોખ્ખું થાય ત્યારે બહાર જવાનું જોખમ કરવું જોઇએ નહિ. તોફાની પવન ખૂબ તેજ ગતિથી સામેની દિશામાં પણ તે જ પ્રમાણે અચાનક ફરીથી પાછો ત્રાટકી શકે છે. વાવાઝોડાનું કેન્દ્રબિંદુ જે-તે વિસ્તાર પરથી પસાર થાય ત્યારે આવું બને છે. વીજળીના કરંટથી થતું મૃત્યુ નિવારવા વીજ થાંભલાઓમાંથી લટકતા ઢીલા-છૂટા વાયર તરત જ દૂર કરવા જોઇએ. શુધ્ધ અને સલામત પાણી જ પીવું જોઇએ.