પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને આજે સુપ્રીમ કોર્ટે મરણતોળ ફટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે શારદા ચીટ ફંડ કૌભાંડમાં પુછપરછ કરવા માટે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને સીબીઆઈની સામે ઉપસ્થિત થવા માટે સ્પષ્ટ આદેશ કરી દીધો છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આને લઇને વાંધો ઉઠાવી રહ્યા હતા પરંતુ આજે સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારને સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત થવા સ્પષ્ટ સૂચના આપી હતી. કોર્ટે રાજીવને બંગાળની બહાર શિલોંગમાં સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત થવા માટે આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ આદેશથી મમતા બેનર્જીને ચોંકાવી દીધા છે. કેન્દ્ર અને બંગાળ વચ્ચે રાજકીય સંગ્રામ માટે શારદા અને રોઝવેલી પોન્જી સ્કીમ જવાબદાર છે જેમાં કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમાર અગાઉ તપાસ કરી ચુક્યા છે. આ બે પોન્જી સ્કીમ શું છે તે નીચે મુજબ છે.
સનસનાટીપૂર્ણ શારદા કૌભાંડ
- શારદા ગ્રુપની ૨૦૦ ખાનગી કંપનીઓનું કન્સોર્ટિયમ અનેક મૂડીરોકાણ સ્કીમો ચલાવી રહી હતી. આ લોકોએ ૧.૭ મિલિયન મૂડીરોકાણકારો પાસેથી ૩૫૦૦ કરોડ રૂપિયા એકત્રિત કરી લીધા હતા. એપ્રિલ ૨૦૧૩માં તેનું પતન થતાં પહેલા સીબીઆઈએ ૨૫૦૦ કરોડ રૂપિયાની ગેરરીતિ પકડી પાડી હતી
- આઈટી, ઇડી દ્વારા શારદા કૌભાંડ અને તેના જેવી અન્ય પોન્જી સ્કીમોમાં ઉંડી તપાસ હાથ ધરી હતી
- મે ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે આંતર રાજ્ય જટિલ સ્થિતિ દર્શાવીને આમા આંતરરાષ્ટ્રીય મની લોન્ડરિંગ, ગંભીર રેગ્યુલેટરી નિષ્ફળતા, રાજકીય સાંઠગાંઠને ધ્યાનમાં લઇને આ તમામ તપાસને સીબીઆઈને સોંપી દીધી હતી જેમાં શારદા અને અન્ય પોન્જી સ્કીમોનો સમાવેશ થાય છે.
- એપ્રિલ ૨૦૧૩માં શારદાના સ્થાપક અને કૌભાંડકારી સુદિપ્ત સેને ૧૮ પાનાનું જુબાનીપત્ર સીબીઆઈને આપ્યું હતું જેમાં સેને કબૂલાત કરી હતી કે, તેઓએ જંગી નાણાં ચુકવ્યા હતા. કેટલાક રાજકારણીઓને, વેપારીઓને, પત્રકારોને અને અન્ય મોડેસ ઓપરેન્ડી ધરાવતા લોકોને નાણાં ચુકવવામાં આવ્યા હતા
- આ સ્કીમોમાં નાણાં જમા કરવા લાખો રોકાણકારોને લાલચ આપવામાં આવીહોવાની વાત પણ કબૂલવામાં આવી હતી. ટીએમસીના નજીકના લોકો પણ આમા હતા
- શારદામાં કાર્યવાહી હાથ ધરાયા બાદ બંગાળ, આસામ, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં એક હજાર કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી જેમાં ફ્લેટ, બંગલાઓ, બેંક ડિપોઝિટ, જમીનો, રિસોર્ટ, સ્કુલો, ડેરી ફાર્મ, વાહનોનો સમાવેશ થાય છે.
સનસનાટીપૂર્ણ રોઝવેલી કૌભાંડ
- રોઝવેલીમાં ઇડીએ ૧૯૫૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે
- રોઝવેલી ગ્રુપના પૂર્વ એમડી એસ દત્તાએ સીબીઆઈને કહ્યું હતું કે, તેઓએ ૧૦૦૦૦ કરોડ રૂપિયાની ઠગાઈ લાખો મૂડીરોકાણકારો સાથે કરી છે. આ રકમ શારદા કૌભાંડ કરતા ચારગણી વધારે છે. દેશમાં હજુ સુધીની સૌથી મોટી પોન્જી સ્કીમ અને કૌભાંડ તરીકે આને ગણવામાં આવે છે
- દત્તાએ ગ્રુપ દ્વારા ચલાવવામાં આવતી સ્કીમોમાં રોકાણ કરવા ૨.૭ લાખ લોકોની મદદથી મહાકાય સામ્રાજ્ય ઉભુ કર્યું હતું
- રોઝવેલી ગ્રુપમાં ૮ ડિવિઝનલ ઓફિસ, ૨૧ ક્ષેત્રિય ઓફિસ, ૮૮૦ બ્રાંચ હતી
- રોઝવેલી ગ્રુપમાં ૨૦ લાખ એજન્ટો અને ૨.૭ લાખ સક્રિય એજન્ટોની નોંધ કરવામાં આવી હતી
- ગ્રુપ પાસે ૨૩ હોટલો અને ત્રણ પાર્ક છે