અમદાવાદ : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇ કોંગ્રેસના પ્રચારને લઇ વંથલી સહિતના સ્થળોએ વિશાળ જાહેરસભા સંબોધી હતી. જૂનાગઢના વંથલી ખાતેની વિશાળ જનસભાને સંબોધન દરમ્યાન રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી ચાબખા વરસાવ્યા હતા.
ખેડૂતોને કયારેય જેલમાં નહી નાંખીએ
રાહુલ ગાંધીએ ખેડૂતોને બહુ મોટી રાહત આપતાં જણાવ્યું કે, અનિલ અંબાણીએ રૂ.૪૫ હજાર કરોડની લોન લીધી અને ભરી નથી પણ જેલમાં ના ગયા, નીરવ મોદી રૂ.૩૫ હજાર કરોડ લઇને વિદેશ ભાગી ગયો પણ જેલમાં ના ગયો, વિજય માલ્યા રૂ.૯ હજાર કરોડ લોન લઇને વિદેશ ભાગી ગયો પણ જેલમાં ના ગયો પરંતુ જા ખેડૂત માત્ર રૂ.૨૦ હજારની લોન ભરવામાં ચૂક કરે તો તેને જેલમાં ધકેલાય છે..જા કોંગ્રેસની સરકાર આવશે તો આ અન્યાય નહી થાય. કોંગ્રેસની સરકાર આવશે તો, અલગ કાયદો બનાવાશે અને લોનની રકમ ભરપાઇ નહી કરી શકનાર દેશના કોઇપણ ખેડૂતને જેલમાં ધકેલવામાં નહી આવે. ખેડૂતોને પૂરતું રક્ષણ અપાશે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની નિયત પર સવાલ ઉઠાવતાં જણાવ્યું કે, મોદી કયારેય ખેડૂતોનું દેવુ માફ નહી કરે, પરંતુ કોંગ્રેસે તે રાજયોમાં સત્તા પર આવી ત્યાં ખેડૂતોનું દેવુ માફ કરીને બતાવ્યું છે અને ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવુ માફ કરીને બતાવશે.
મોદીએ નોટબંધી, જીએસટી મારફતે દેશનું અર્થતંત્ર ખતમ કર્યું
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર નોટબંધી, જીએસટી અને રાફેલ ડીલ સહિતના મુદ્દે વડાપ્રધાન મોદીને જારદાર રીતે આડા હાથે લીધા હતા અને તેમની પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ નોટબંધી, જીએસટી જેવા વગર વિચાર્યા નિર્ણયો લઇ દેશનું અર્થતંત્ર જ ખતમ કરી નાંખ્યું. નોટબંધી જા બ્લેક મની સામેનું પગલું હતું તો, દેશના ચોરો અનિલ અંબાણી, નીરવ મોદી અને માલ્યા જેવા ઉદ્યોગપતિઓ કેમ લાઇનમાં ના ઉભા રહ્યા પરંતુ ગરીબ મહિલાઓ, ખેડૂતો, યુવાઓ અને સામાન્ય જનતા લાઇનમાં લાગી ગઇ હતી. મોદીએ નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયોથી દેશનું અર્થતંત્ર અને રોજગાર ખતમ કરી નાંખ્યા. કોંગ્રેસની સરકાર આવશે તો, અમે જીએસટી એકદમ સરળ અને વ્યવહારૂ બનાવીશું. એટલું જ નહી, એક વર્ષમાં ૨૨ લાખ સરકારી નોકરીઓ ભરીશું અને યુવાઓને રોજગારી ઉપલબ્ધ કરાવીશું. યુવાઓએ બિઝનેસ શરૂ કરવો હશે તો કોઇ મંજૂરી નહી લેવી પડે
યુવાઓએ બિઝનેસ શરૂ કરવો હશે તો કોઇ મંજૂરી નહી લેવી પડે
રાહુલ ગાંધીએ પોતાની સભામાં યુવાઓ માટે પણ બહુ મહત્વની જાહેરાત કરી હતી કે, જા કોંગ્રેસની સરકાર આવશે તો, યુવાઓને તેમનો નવો બિઝનેસ કે સ્ટાર્ટ અપ શરૂ કરવો હશે તો સરકારના કોઇપણ વિભાગની ત્રણ વર્ષ સુધી મંજૂરી લેવાની નહી રહે અમે એવી જાગવાઇ લાવીશું. યુવાઓ પહેલાં તેમનો બિઝનેસ અને સ્ટાર્ટ અપ શરૂ કરી જમાવે અને પછી મંજૂરી લે પ્રકારનો અભિગમ અમે અપનાવીશું. અમે દેશના તમામ યુવાઓને રોજગારીથી સંપન્ન કરીશું. મોદીજીની જેમ બે કરોડ નોકરીઓની ખોટી જાહેરાતો કરી છેતરપીંડી નહી કરીએ. યુવાઓને રોજગારી આપવી એ અમારી સૌથી વધુ પ્રાધાન્યતા રહેશે.
માછીમારો માટે અલગ મીનીસ્ટ્રી બનાવીશું
ગુજરાત સહિત દેશના માછીમારો માટે પણ રાહુલ ગાંધીએ મહત્વની જાહેરાત કરી હતી કે, અમે માછીમારોની પણ રજૂઆત અને વ્યથા સાંભળી છે અને તેમના પ્રશ્નો અને સમસ્યાના કાયમી નિરાકરણ માટે જા કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે તો, અમે માછીમારો માટે અલગ જ મીનીસ્ટ્રી બનાવીશું, જે માત્ર માછીમારોના મામલાને ડીલ કરશે અને તેનું સમાધાન-નિરાકરણ કરશે.
કોંગ્રેસની સરકાર તમારી પોતાની સરકાર હશે, જે તમારુ કહ્યુ કરશે
રાહુલ ગાંધીએ વિશાળ જનસમુદાયને ખાતરી અપાવતાં જણાવ્યું કે, કોંગ્રેસની સરકાર જા સત્તામાં આવશે તો તે તમારી પોતાની સરકાર હશે. કોંગ્રેસની સરકાર ખેડૂતોની, યુવાઓની, નાના દુકાનદારોની, મહિલાઓની અને ગરીબોની સરકાર હશે. જે તમારા મનની વાત સાંભળશે. અમે મોદીની જેમ મનની વાત કરવામાં માનતા નથી પરંતુ અમે તમારા મનની વાત સાંભળવામાં માનીએ છીએ. કોંગ્રેસની સરકાર તમને સાંભળીને તમારૂ કહ્યુ માનીને સરકાર ચલાવશે. એટલ તમારે આ વખતે તમારી પોતાની સરકાર લાવવાની છે, તેથી આ ચૂંટણીમાં કોંગ્રેસને મત આપો અને કોંગ્રેસના ઉમેદવારોને જીતાડો. આ વખતની ચૂંટણીમાં એક બાજુ કોંગ્રેસની સચ્ચાઇ છે અને બીજીબાજુ, મોદીનું જૂઠ્ઠાણું છે, એક તરફ ન્યાય છે અને બીજી તરફ અન્યાય છે, એક તરફ તમારું નહી સાંભળનારી સરકાર છે અને બીજીબાજુ, તમારું સાંભળનારી અને કહ્યુ કરનારી સરકાર હશે હવે તમારે, ગુજરાતની જનતાએ સાચો અને જાગૃતતા સાથે નિર્ણય કરવાનો છે. આ વખતે કોંગ્રેસની સરકાર લાવો અને તમારી પોતાની સરકાર બનાવો.