રવિવારે નેપાળના પોખરા એરપોર્ટ નજીક યેતી એરલાઇન્સનું ATR-૭૨ વિમાન ક્રેશ થયું હતું. દુર્ઘટના બાદ સૌથી મોટો સવાલ એ છે કે જે પ્લેન ઉડાન ભર્યાના માત્ર ૨૦ મિનિટ બાદ રનવે પર લેન્ડિંગની તૈયારી કરી રહ્યું હતું તો તે આ ભયાનક અકસ્માતનો શિકાર કેવી રીતે બન્યું? શું આ માટે કોઈ ટેકનિકલ ખામી જવાબદાર હતી કે પછી પાઈલટની કોઈ ભૂલને કારણે પ્લેન ક્રેશ થયું હતું. શું આની પાછળ કોઈ પ્રકારનું ષડયંત્ર જવાબદાર છે? હવે યેતી એરલાઈન્સ વિમાન દુર્ઘટનાનું સત્ય બહાર આવવા માટે તેના કાટમાળમાંથી મળેલા બ્લેક બોક્સના રેકોર્ડિંગની રાહ જોઈ રહી છે. આખરે એવું તો શું થયું કે પ્લેન તેના લેન્ડિંગ પહેલાં જ ક્રેશ થયું હતું? આવા અનેક સવાલોના જવાબ હવે બ્લેક બોક્સની તપાસ બાદ જ બહાર આવશે. છેવટે, શાના કારણે, એક જ ઝાટકે ૭૨ લોકોના મોત થયાં.
પ્લેનની છેલ્લી ક્ષણોમાં પાઇલટનો છેલ્લો કોલ શું હતો? તે સામે આવ્યા બાદ જ કંઈ પણ કહી શકાય તેમ નથી. નેપાળના એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનને પોખરાના એર ટ્રાફિક કંટ્રોલ તરફથી રનવે પર ઉતરવાની પરવાનગી મળી હતી અને હવામાન સંપૂર્ણપણે સાફ હતું. આ પેસેન્જર પ્લેન કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટથી પોખરા માટે સવારે ૧૦:૩૩ વાગ્યે ઉડાન ભરી હતી. પોખરા એરપોર્ટના રનવે પર લેન્ડિંગની માત્ર ૧૦ સેકન્ડ પહેલા આ પ્લેનમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને ધડાકા સાથે જમીન પર પડી ગયું હતું. પોખરાના જૂના અને નવા એરપોર્ટની વચ્ચે પ્લેન ક્રેશ થઈ ગયું. જમીનથી અમુક મીટરની ઉંચાઈએ હવામાં ઉડતું યેતી એરલાઈન્સનું પ્લેન રમકડાની જેમ જમીન પર પડ્યું. અચાનક તેમાં સવાર ૬૮ મુસાફરો અને ૪ ક્રૂ મેમ્બરના જીવનનો અંત આવ્યો.