એક મહિલાએ વાળ ડાઈ કરાવ્યા બાદ પણ ધોળા વાળ રહી જવાને લઈને બ્યૂટીપાર્લરમાં હોબાળો મચાવ્યો છે. તેટલું જ નહીં, મહિલાએ બ્યૂટીપાર્લરમાં હાજર લોકોને ચંપલથી માર માર્યો છે અને ત્યાં લાગેલા અરીસાઓ પણ ફોડી નાંખ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા બ્યૂટીપાર્લરમાં આવે છે અને દાદાગીરી કરવા લાગે છે. બ્યૂટીપાર્લર સંચાલકો તેને રોકવાનો પ્રયત્ન પણ કરે છે પરંતુ તે માનતી નથી. તે બધી વસ્તુઓ આમ-તેમ ફેંકી રહી છે. આ ઉપરાંત બ્યુટીપાર્લરમાં લાગેલા કાચ પણ તોડી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, આ મહિલાનું નામ વર્ષા કાળે છે અને તેણે આ બ્યુટીપાર્લરમાં હેર ડાઇ કરાવી હતી. તો મંગળવારે આ મહિલા ડાયમંડ નામના બ્યુટીપાર્લરમાં પહોંચી હતી અને ત્યારબાદ હોબાળો મચાવ્યો હતો. તેણે બ્યુટીપાર્લર પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, બરાબર હેર ડાઇ ન કરવાથી તેના વાળ ધોળા દેખાય છે. પાંચ હજાર જેટલા રૂપિયા ખર્ચ્યા પછી પણ મને જોઈતું હતું તેવું રિઝલ્ટ મળ્યું નથી. મને ફરીથી વાળમાં ડાઇ કરી આપવામાં આવે. તો બ્યુટીપાર્લર સંચાલકે આ મામલે કહ્યુ હતુ કે, હેર ટ્રીટમેન્ટમાં ક્યાંય કોઈ ચૂક રહી નથી.
નેચરલી જ સફેદ વાળ ઉગી આવ્યાં છે. તેને હેર ડાઈ સાથે કોઈ સંબંધ નથી. વર્ષા અચાનક આવે છે અને તેને સમજાવવા છતાં કોઈ વાત સાંભળતી જ નહોતી. તેણે ચંપલ કાઢીને ત્યાં હાજર લોકોને મારવાનું શરૂ કરી દીધું હતું. ત્યાં લાગેલા બધા કાચ તોડી નાંખ્યા હતા. હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તપાસ ચાલુ છે.