લખવામાં ક્યારેક ક્યારેક એક નાનકડી ભૂલ ખુબ મોંઘી પડી જતી હોય છે. આવું જ કઈંક તેલંગણાના એક કોંગ્રેસ નેતા રોહિન રેડ્ડી સાથે થઈ ગયું. તેમણે ભારત જોડો યાત્રા અંગે કરાયેલી પોતાની ટ્વીટમાં જોડોની જગ્યાએ તોડો શબ્દનો ઉપયોગ કર્યો. જેના કારણે કોંગ્રેસ પાર્ટીએ શરમજનક સ્થિતિમાં મૂકાવવું પડ્યું. અત્રે જણાવવાનું કે કોંગ્રેસના તેલંગણા રાજ્ય સચિવ ડો. રોહિન રેડ્ડી જે હૈદરાબાદમાં ભારત જોડો યાત્રાના કોઓર્ડિનેટર પણ હતા તેમણે ભારત જોડો યાત્રામાં ભાગ લેવા માટે આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે સાથે મુલાકાત બાદ ટ્વીટ કરી હતી. જેમાં તેમણે આ ભૂલ કરી. રોહિન રેડ્ડીએ પોતાના ટિ્વટર હેન્ડલથી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને રાજ્યના કોંગ્રેસ પ્રમુખ એ રેવંત રેડ્ડી તથા પાર્ટી મહાસચિવ કે. સી.વેણુગોપાલને ટેગ કરતા લખ્યું કે ‘ગર્વ અને મહાન ક્ષણ જ્યારે એઆઈસીસી અધ્યક્ષ ખડગેએ હૈદરાબાદમાં ભારત તોડો યાત્રા માટે મારી પ્રશંસા કરી. વખાણ બદલ આભાર સર.’ તેમણે ખડગે અને અન્ય નેતાઓ સાથે લેવાયેલી એક તસવીર પણ પોસ્ટ કરી. સ્પષ્ટ રીતે આ ભૂલ પર ધ્યાન આપવાના બદલે તેલંગણા કોંગ્રેસે પાછી તેને રિટ્વીટ કરી.
જો કે બાદમાં ભૂલનો અહેસાસ થતા રોહિન રેડ્ડીએ ટ્વીટ હટાવી લીધી અને સુધારો કરીને ફરીથી ટ્વીટ કરી. નોંધનીય છે કે રોહિન રેડ્ડીએ અન્ય એક ટ્વીટમાં પણ ભૂલ કરી. આ ટ્વીટમાં રોહિન રેડ્ડીએ લખ્યું કે દેશના સાચા નેતા સાથે ચાલવા પર ગર્વ અને સૌભાગ્યની અનુભૂતિ થઈ રહી છે. જેમણે ભારત તોડો યાત્રા સાથે રાષ્ટ્રને એકજૂથ કરવા માટે પદયાત્રા શરૂ કરી. તેલંગણામાં સત્તાધારી ટીઆરએસના નેતા કૃષ્ણક મન્નેએ તેને કોંગ્રેસનો સેલ્ફ ગોલ ગણાવ્યો. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે રાહુલ ગાંધીજી યાત્રાના કોઓર્ડિનેટરે તેને ‘તોડો યાત્રા’ તરીકે ટ્વીટ કરી અને તેલંગણાના કોંગ્રેસના અધિકૃત હેન્ડલે તેને રિટ્વીટ કરી. આ કોંગ્રેસનો સેલ્ફ ગોલ છે.