ગુજરાતમાં રોજગારી અર્થે આવેલા પરપ્રાંતિયોને દિવાળી અને છઠ્ઠ પૂજા જેવા મોટા તહેવારોમાં વતન જવા આવવા માટે સરળતા રહે તે માટે રેલવે વિભાગ દર વર્ષે ખાસ ટ્રેન દોડાવે છે. આ વખતે પશ્ચિમ રેલવે દ્વારા પણ કેટલીક વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડાવવાનો ર્નિણય કર્યો છે. પશ્ચિમ રેલવેએ આગામી દિવાળી અને છઠ પૂજાના તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને બરૌની વચ્ચે સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન, વિશેષ ભાડા સાથે દોડાવવાનો ર્નિણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 09413 અમદાવાદ-બરૌની સ્પેશ્યલ 08 ઓક્ટોબર 2024 થી 12 નવેમ્બર 2024 સુધી દર મંગળવારે અમદાવાદથી સાંજે 16.35 કલાકે ઉપડશે અને ગુરુવારે સવારે 4 કલાકે બરૌની ખાતે પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09414 બરૌની-અમદાવાદ સ્પેશ્યલ 10 ઓક્ટોબર 2024 થી 14 નવેમ્બર 2024 સુધી દર ગુરુવારે બરૌનીથી સવારે 4 કલાકે ઉપડશે અને શુક્રવારે રાત્રિના 23.15 કલાકે અમદાવાદ ખાતે પહોંચશે. અમદાવાદ-બરૌનીના માર્ગમાં બંને દિશાઓમાં એટલે કે આવતા અને જતા સમયે આ ટ્રેન આણંદ, વડોદરા, સુરત, ઉધના, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, માનિકપુર, પ્રયાગરાજ, છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર, આરા, દાનાપુર, સોનપુર, પાટલીપુત્ર (વાયા શાહપુર પટોરી) અને હાજીપુર સ્ટેશન ખાતે ઉભી રહેશે. ટ્રેન નંબર 09413 નું બુકિંગ, આગામી 05 ઓક્ટોબર, 2024 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો કૃપા કરીને ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.