હવામાન વિભાગના જણાવ્યા મુજબ એક લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૨૩ માર્ચના રોજ હિમાલય ક્ષેત્રમાં પહોંચશે. જેના કારણે ૨૩ માર્ચથી ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ, તોફાન અને કરાવૃષ્ટિનો એક નવો દોર શરુ થવાની સંભાવના છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના અમુક ભાગોમાં વરસાદની ગતિવિધિઓ ફરીથી જોવા મળશે. દિલ્લી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પંજાબ, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે ૨૩ માર્ચ સુધી દેશના ઘણા રાજ્યોમાં વરસાદ અને કરા પડી શકે છે.
હવામાન વિભાગ મુજબ પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં ૨૩ માર્ચ સુધી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ અને ઉત્તરપૂર્વ ભારતમાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ થશે. હવામાન વિભાગે દિલ્લીમાં ખૂબ જ હળવા વરસાદ અથવા ઝરમર ઝરમર સાથે સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી છે. અહેવાલ મુજબ મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે ૨૬ અને ૧૬ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. મુંબઈમાં પણ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ૨૩ માર્ચે મુંબઈ, થાણે, રાયગઢ જિલ્લામાં ભારે પવન સાથે વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સમગ્ર દિલ્લી અને એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ પડશે. ૪૦-૬૦ કિમી/કલાકની ઝડપે મધ્યમ તીવ્રતાના વરસાદ સાથે તોફાની પવન ફૂંકાશે. આ સાથે મેરઠ, મોદીનગર, પિલખુઆ, હાપુડ અને યુપીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે