કિગ્સ્ટન : કિંગ્સ્ટન ખાતે રમાઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમે તેની સ્થિતી અતિ મજબુત બનાવી લીધી હતી. ભારતના પ્રથમ દાવમાં ૪૧૬ રન ઓલઆઉટના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ પ્રથમ દાવમાં માત્ર ૧૧૭ રન કરીને આઉટ થઇ ગઇ હતી. જો કે ભારતે વિન્ડીઝને ફોલોઓનની ફરજ પાડી ન હતી. ભારતે બીજી ઇનિગ્સમાં બેટિંગ કરીને વિન્ડીઝ સામે મોટો પડકાર મુક્યો હતો. ભારતે બીજા દાવમાં ચાર વિકેટે ૧૬૮ રન કરીને દાવ ડિકલેર કરી લીધો હતો. જેથી વેસ્ટ ઇન્ડિઝ સામે જીતવા માટે કુલ ૪૬૮ રનનો લક્ષ્યાંક આવી ગયો છે.
ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે યજમાન વેસ્ટ ઇન્ડિઝે બે વિકેટ ગુમાવીને ૪૫ રન કર્યા હતા. ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે બ્રાવો ૧૮ અને બ્રુકસ ચાર રન સાથે રમતમાં હતા. વિન્ડીઝ પર સતત બીજી ટેસ્ટ હારનો ખતરો રહેલો છે. હજુ તેને ૪૨૩ રનની જરૂર છે અને તેની આઠ વિકેટ હાથમાં છે. આવી સ્થિતીમાં તેની હાર નિશ્ચિત બની ગઇ છે. તેના કોઇ બેટ્સમેન હાલમાં ફોર્મમાં ચાલી રહ્યા હતા. ભારતે તેના બીજા દાવમાં કંગાળ બેટિંગ કરી હતી.
પુજારા ફરી એકવાર ૨૭ રન કરીને આઉટ થયો હતો. કેપ્ટન કોહલી શુન્યમાં આઉટ થયો હતો. રહાણે ૬૪ અને વિહારી ૫૩ રન સાથે અણનમ હતા ત્યારે ભારતે તેનો બીજા દાવ ડિકલેર કરી લીધો હતો. બંને દેશો વચ્ચે ૧૧ ટેસ્ટ શ્રેણીનું આયોજન કેરેબિયન મેદાનમાં કરવામાં આવ્યું છે જે પૈકી ભારતે છેલ્લી ત્રણ ટેસ્ટ શ્રેણી જીતી છે. હવે ચોથી શ્રેણી પણ ભારત જીતવાની નજીક છે. ૨૦૦૬માં ૧-૦થી, ૨૦૧૧માં ૧-૦ અને ૨૦૧૬માં ૨-૦થી ભારતે ટેસ્ટ શ્રેણી જીતી હતી. એન્ટીગુઆ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે રેકોર્ડ જીત મેળવીને ઇતિહાસ સર્જી દીધો હતો. વિન્ડીઝની સામે ભારતે હજુ સુધી કુલ ૯૭ ટેસ્ટ મેચોમા ૨૧માં જીત મેળવી છે. જો કે વિન્ડીઝની ટીમ આંકડામાં હજુ પણ ભારતથી ખુબ આગળ છે. પ્રથમ ટેસ્ટ મેચ ૩૧૮ રને જીતી લીધા બાદ ભારતીય ટીમ આ ટેસ્ટ મેચ જીતીને વિન્ડીઝ સામે વધુ એક ટેસ્ટ શ્રેણી જીતવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ટીમ ઇન્ડિયા વર્ષ ૨૦૦૬ બાદથી વિન્ડિ ઝમાં સતત ત્રણ વખત ટેસ્ટ શ્રેણી જીતી ચુકી છે. સતત ત્રણે ટેસ્ટ શ્રેણી જીતી ગયા બાદ કેરિયબિન ભૂમિ પર સતત ચોથી શ્રેણી જીતવા માટે ભારતીય ટીમ સજ્જ છે. અગાઉ વેસ્ટ ઇન્ડિ ઝની પ્રથમ ઇનિંગ્સમાં ઝડપી બોલર બુમરાહે હેટ્રિક લીધી હતી. ભારતના પ્રથમ દાવમાં ૪૧૬ રન ઓલઆઉટના જવાબમાં વિન્ડિઝે કંગાળ શરૂઆત કરી હતી અને એક પછી એક વિકેટો નિયમિતગાળામાં ગુમાવી હતી.
વિન્ડિઝના જોરદાર ધબડકામાં બુમરાહે ચાવીરુપ ભૂમિકા અદા કરી હતી. બુમરાહે ૧૬ રન આપીને છ વિકેટ ઝડપી હતી. પ્રથમ ટેસ્ટ મેચમાં પણ બુમરાહે તરખાટ મચાવ્યો હતો. બીજી ટેસ્ટ મેચમાં પણ તેની ઘાતક બોલિંગ સામે વિન્ડિઝના બેટ્સમેનો ટકી શક્યા ન હતા અને એક પછી એક વિકેટો ગુમાવી હતી. વેસ્ટ ઇન્ડિઝનો કંગાળ દેખાવ રહ્યો છે.