હવામાન વિભાગે આ વર્ષના ચોમાસાના આંકડાને જારી કર્યા છે અને એવુ અનુમાન વ્યક્ત કર્યું છે કે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે અને સરેરાશ કરતા ૯૭ ટકા જેટલો વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
કેરળમાં ચોમાસાની શરૂઆત ક્યારે થશે તેની જાણકારી આગામી ૧૫મી મેના રોજ આપવામાં આવશે. હાલ જે અનુમાન જારી કરવામાં આવ્યું છે તે પહેલા ચરણનુ છે, મે માસમા ચોમાસાની શરૂઆત ક્યારે થશે તેની જાણકારી આપ્યા બાદ બીજા ચરણનું અનુમાન જારી કરાશે. જેમાં જુલાઇ અને ઓગસ્ટની વચ્ચે દેશના વિવિધ ક્ષેત્રોમાં થનારા વરસાદનું અનુમાન આપવામાં આવશે.
હવામાનની ખાનગી એજન્સી ક્લાઇમેટે પણ આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની અને ૧૦૦ ટકા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. ક્લાઇમેટના જણાવ્યા અનુસાર જુનથી સપ્ટેમ્બર વચ્ચે ૧૦૦ ટકા વરસાદ પડશે. આ દરમિયાન ૮૮૭ મિમી વરસાદ પડવાની શક્યતાઓ છે. આ અનુમાન પાંચ ટકા આઘુ પાછુ થઇ શકે છે. ૯૬ ટકાથી ૧૦૪ ટકાની વચ્ચે થતો વરસાદ સામાન્ય માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આખા દેશનો સરેરાશ આશરે ૯૫ ટકા વરસાદ રહ્યો હતો. અને ચાર મહિનાની સીઝન દરમિયાન ૮૭ સેમી વરસાદ પડયો હતો જે વાર્ષીક વરસાદના ૭૫ ટકા છે. સામાન્ય ચોમાસાને કારણે પાક સારો રહેવાની શક્યતાઓ છે.