વાયનાડ : કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળના વાયનાડ લોકસભા સીટ પરથી અભૂતપૂર્વ ઉત્સાહ અને મોટી સંખ્યામાં કાર્યકરો અને દિગ્ગજ કોંગ્રેસી નેતાઓની ઉપસ્થિતિમાં ઉમેદવારીપત્ર ભર્યું હતું. રાહુલ ગાંધીની સાથે બહેન પ્રિયંકા ગાંધી વાઢેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ ગાંધીએ ભગવાનના પોતાના દેશ તરીકે ગણાતા વાયનાડ લોકસભા સીટમાંથી ઉમેદવારીપત્ર ભરતા પહેલા ભવ્ય રોડ શો કર્યો હતો જેમાં પ્રિયંકા ગાંધી વાઢેરા અને અન્ય નેતાઓ પણ તેમની સાથે જાડાયા હતા. આશરે બે કિલોમીટર લાંબા રોડ શો મારફતે રાહુલ ગાંધીએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. લઘુમતિઓની વધારે વસતી ધરાવતી આ સીટઉપર રાષ્ટ્રીય તાકાતનો પરચો રાહુલે આપ્યો હતો. રાહુલ ગાંધીના રોડ શોને ધ્યાનમાં લઇને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો તેમના સ્વાગત માટે જમા થયા હતા.
રાહુલ ગાંધીના રોડ સો માટે અગાઉ મંજુરી મળી ન હતી પરંતુ મોડેથી સરકારે મંજુરી આપી હતી. આ પહેલા વાયનાડથી ઉમેદવારીપત્ર દાખલ કરવાના પ્રશ્ન ઉપર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દક્ષિણ ભારતમાં એક ભાવના પ્રવર્તી રહી છે કે, વર્તમાન એનડીએ સરકાર તેમના ઉપર ધ્યાન આપી રહી નથી. દક્ષિણ ભારતને લાગે છે કે, નરેન્દ્ર મોદી તેમની સાથે દુશ્મનાવટ રાખે છે. તેમને લાગે છે કે, દેશના નિર્ણય લેવાની પ્રક્રિયામાં તેમને સામેલ કરવામાં આવી રહ્યા નથી પરંતુ તેઓ દક્ષિણ ભારતને સંદેશો આપવા માંગતા હતા કે, અમે તેમની સાથે ઉભા છે જેથી કેરળમાં ચૂંટણી લડવા આવ્યા છે.
કેરળની તમામ ૨૦ સીટો માટે આગામી ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થનાર છે. કેરળમાં ભાજપના સાથી પક્ષ ભારતધર્મ જનસેનાના અધ્યક્ષ તુષાર વેલ્લાપલ્લી રાહુલ ગાંધીની સામે વાયનાડથી ચૂંટણી મેદાનમાં છે. રાજ્યમાં હિન્દુ સમુદાયનું પ્રતિનિધિત્વ કરનાર બીડીજેએસના દમ ઉપર એનડીએ અહીં શાનદાર દેખાવ કરવા માટે આશાવાદી છે. પાર્ટી આ માન્યતા સાથે મેદાનમાં છે કે, કેરળમાં વર્ષો સુધી એલડીએફ અને યુડીએફ સરકારોમાં લઘુમતિઓને પ્રતિનિધિત્વ મળ્યું છે જેથી રાજ્યમાં હિન્દુઓની વાત કરનાર એક પાર્ટી પણ જરૂરી છે. બીજી બાજુ સત્તારુઢ ડાબેરી દળોના ગઠબંધને વાયનાડથી સીપીએમના પીપી સુનિર મેદાનમાં છે. જિલ્લાના નેતા વિજયન ચેરુકારાનું કહેવું છે કે, રાહુલ ગાંધી એક અદૃશ્ય દેવતા જેવા છે. તેમના માટે પારિવારિક ગઢ અમેઠી પર જીત સરળ છે. અહીં અલગ પ્રકારના મતદારો છે. અહીં તેમની જીત મુશ્કલ છે.