અમદાવાદ : વડાપ્રધાન મોદીના સી-પ્લેનના મહત્વાકાંક્ષી પ્રોજેકટના ભાગરૂપે અમદાવાદમાં હવે વોટર એરોડ્રોમ બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન થઈ ગયાં છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર આગામી વર્ષે વોટર એરોડ્રોમ કાર્યરત થઈ જવાની શક્યતા છે. અમદાવાદ જ નહીં, રાજ્યમાં પાલિતાણાના શેત્રુંજી ડેમ અને કેવડિયા નર્મદા ડેમ અને ધરોઈ ડેમ વોટર એરોડ્રોમ બનાવવા માટે કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્યન મંત્રાલય દ્વારા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જે અંગે નજીકના ભવિષ્યમાં જ કામગીરી શરૂ કરી દેવાશે. સરકારની આ મહત્વાકાંક્ષી યોજના શરૂ થતાં જ અમદાવાદીઓ એક જ દિવસમાં બેથી ત્રણ સ્થળોએ સી-પ્લેન દ્વારા મુસાફરી કરી શકશે. સાબરમતી રિવરફ્રન્ટ પર વાસણા ડેમ તરફ અને ઇન્દિરાબ્રિજ તરફના કિનારા પર વોટર એરોડ્રોમ બનાવવા અંગે સર્વે કરવાની કામગીરી શરૂ કરાઈ છે, જેના માટે અધિકારીઓની નિમણૂક પણ કરી દેવામાં આવી છે.
આ અંગે રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગના સચિવ એસ.જે. હૈદરે જણાવ્યું હતું કે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રોમ અંગેની કામગીરી માટે અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટરની મેન્ટોર તરીકે નિમણૂક કરાઈ છે રાજ્યમાં અન્ય ચાર જગ્યાએ પણ વોટર એરોડ્રોમ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ યોજનાથી વિવિધ સ્થળોની કનેક્ટિવિટી અને ટૂરિઝમને પ્રોત્સાહન મળશે. વિદેશી અને સામાન્ય પ્રવાસીઓની સંખ્યામાં અનેકગણો વધારો થશે. સી-પ્લેન પાણીમાં ઊતરે કે ટેક ઓફ કરે, પરંતુ તે માટે નજીકમાં એરોડ્રોમ જરૂરી હોય છે એટલે સરદાર સાબરમતી રિવરફ્રન્ટ, સરદાર સરોવર, ધરોઈ ડેમ અને શેત્રુંજય પાસે ક્યાં આ સ્થળ યોગ્ય છે તે અંગે પ્રી-ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરી અમદાવાદ, વડોદરા અને ભાવનગર એરપોર્ટ ડાયરેક્ટરે આપવાનો રહેશે.
સાબરમતી નદીમાં, ધરાઇ ડેમ અને શેત્રુંજય ડેમ ખાતે ખુલ્લા પાણીમાં વોટર એરોડ્રોમ બનાવવા આયોજન છે. આ અધિકારીઓને ચાર દિવસ અગાઉ કામગીરીનો ઓર્ડર થયો છે. આ અંગે અમદાવાદ એરપોર્ટ ડાયરેક્ટર મેજર મનોજ ગંગલે જણાવ્યું હતું કે ડેમ સાઇટ ઉપર એરપોર્ટ ક્યાં બની શકે તે અંગે સ્થળ નક્કી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની પણ મદદ લેવાશે. પાણીમાં પ્લેન ઊતર્યા બાદ કિનારે આવેલો માણસ ક્યાંથી બહાર જઇ શકે તે સુવિધા ઊભી થશે.
આ અંગેની મિટિંગ ટૂંક સમયમાં મળશે. ઉલ્લેખનીય છે કે, સી-પ્લેન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. સુરત ખાતે તાજેતરમાં તાપી નદીમાં આ અંગે શક્યતા ચકાસવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો જોઇ રાજપીપળા ખાતે રન-વે અને એરપોર્ટ માટે તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ સાથે સરદાર સરોવર ડેમમાં સી-પ્લેન કનેક્ટિવિટી માટે કાર્યવાહી હાથ ધરતાં આગામી વર્ષે સી-પ્લેનની સુવિધા નાગરિકોને મળતી થઈ જશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં નરેન્દ્ર મોદી સાબરમતી કિનારેથી સી-પ્લેનમાં બેસીને રવાના થયા હતા અને ધરોઈ ડેમમાં ઊતરાણ કર્યું હતું. જ્યાંથી તેઓ અંબાજી મંદિરે પહોંચ્યા હતા ત્યારે જ તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે સાબરમતી નદીમાં આગામી દિવસોમાં પણ પ્લેન ઊતરશે. સી પ્લેનની મુસાફરીનું સપનું નજીકના ભવિષ્યમાં નાગરિકો માટે સાકાર થશે.