નાસા દ્વારા ઉપગ્રહના ડેટાનો અભ્યાસ થયા બાદ વિશ્વમાં ક્યાં ક્યાં પાણીની તીવ્ર અછત સર્જાશે તેનો નકશો તૈયાર થયો છે. શુદ્ધ ભૂગર્ભજળની અછત જ્યાં સૌથી વધુ પડી રહી છે અને ભવિષ્યમાં પડવાની છે એવા સ્થળોમાં ભારતનો પણ સમાવેશ થયો છે. આ ઉપરાંત મિડલ ઈસ્ટ, અમેરિકાનું કેલિફોર્નિયા રાજ્ય અને ઓસ્ટ્રેલિયા એ ત્રણ સ્થળોનુ જળ પણ ઝડપથી ઊંડું ઉતરી રહ્યું છે.ભારતમાં ભુગર્ભજળની અછતનું કારણ ખેતી પાક હોવાનું નાસાના રિપોર્ટમાં જણાવાયુ છે. ભારતના ઉત્તર ભાગમાં વધારે અછત સર્જાઈ રહી છે. ત્યાં મોટે પાયે ઘઉં અને ચોખાની ખેતી થાય છે. આ બન્ને પાકમાં પુષ્કળ પાણીની જરૃર પડે છે. એટલે જમીનમાંથી મહત્તમ પાણી ખેંચી લેવાય છે. જોકે ફરીથી નોર્મલ વરસાદ પડે ત્યારે પાણી જમીનમાં ઉતરે છે, પણ તેનો જોઈએ એટલો સંગ્રહ થતો નથી. આખી દુનિયામાં પાણીનું મેનેજમેન્ટ નબળી રીતે થઈ રહ્યું છે, જે જળ અછતનું સૌથી મોટું કારણ છે.
નાસાના ગોડાર્ડ ફ્લાઈટ સેન્ટરે સતત ૧૪ વર્ષ (૨૦૦૨થી ૨૦૧૬)ના સેટેલાઈટ ડેટા-ઈમેજિસનો અભ્યાસ કરીને જગતમાં ગ્રાઉન્ડ વોટરની શું સ્થિતિ છે, એ શોધી કાઢ્યું છે. એ પ્રમાણે ૩૪ એવા સ્થળ જોવા મળ્યાં છે, જ્યાં પાણીની અછત સર્જાઈ રહી છે, ભૂગર્ભજળ નીચું ઉતરી રહ્યું છે. એકલો યુરોપિયન પ્રાંત જ શુદ્ધ જળના અભાવથી બચી શક્યો છે. આ રીતે સેટેલાઈટનો ઉપયોગ કરીને જળમાપનની પ્રવૃત્તિ નાસા દ્વારા પ્રથમવાર કરવામાં આવી છે. આ રિપોર્ટ પ્રમાણે જ્યાં આજે પાણી છે, ત્યાં ઘટી રહ્યું છે, જે વિસ્તાર સુક્કા છે એ વધુ સુક્કા બની રહ્યાં છે.
નાસાના રિપોર્ટ પ્રમાણે પાણીની અછત એ આખા જગતની સૌથી મોટી સમસ્યા બની જશે. કેમ કે ૩૪ સ્પોટ પૈકી ૧૯ સ્થળ એવા છે, જ્યાં પાણી સતત નીચું ઉતરી રહ્યું છે. આ રિપોર્ટ દ્વારા પહેલી વખત ખબર પડી કે જ્યાં પુરતો વરસાદ પડે એવા ઘણા સ્થળોએ પણ ભૂગર્ભજળ તળીયે જઈ રહ્યું છે. કાસ્પિયન સમુદ્ર આખો નાનો થતો જાય છે, કેમ કે તેમાં જળ ઠાલવતી નદીઓના પાણીને રસ્તામાં જ આંતરી લેવામાં આવે છે. એ વિસ્તારમાં જ આવેલો અરાલ સમુદ્ર તો તેનું ૯૦ ટકા જળ ક્યારનો ગુમાવી ચૂક્યો છે અને જ્યાં થોડા વર્ષો પહેલા સમુદ્રનાં મોઝાં ઉછળતા હતા ત્યાં હવે રેતીના મેદાનો છે.