પુણે ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે વોશિંગ્ટનનું ‘અતિ સુંદર’ પ્રદર્શન, કીવી બેટ્સમેન થઈ ગયા લાચાર

Rudra
By Rudra 2 Min Read

IND vs NZ 2nd Test match: 3 વર્ષથી વધુ સમય બાદ ટેસ્ટ મેચ રમી રહેલા વોશિંગ્ટન સુંદરે 59 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. આ રીતે તેણે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત એક ઈનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. આ પહેલા સુંદરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 3/89 હતું. વોશિંગ્ટન સુંદર પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં એક ઈનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બન્યો છે. પુણે ટેસ્ટ પહેલા વોશિંગ્ટન સુંદરે 4 ટેસ્ટની 7 ઈનિંગમાં માત્ર 6 વિકેટ લીધી હતી, પરંતુ હવે તેણે એક જ ઈનિંગમાં 7 વિકેટ લઈને ધમાલ મચાવી હતી. વોશિંગ્ટન સુંદરે 7 અને અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. આ રીતે, ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે એક ઈનિંગ્સમાં તમામ 10 વિકેટ માત્ર ઓફ સ્પિન બોલરોએ લીધી હોય.

એકંદરે, ભારતમાં છઠ્ઠી વખત, ટેસ્ટ મેચના પહેલા જ દિવસે તમામ 10 વિકેટ સ્પિનરો દ્વારા લેવામાં આવી છે. છેલ્લી વખત આવું માર્ચ 2024માં ઈંગ્લેન્ડ સામે ધર્મશાલામાં થયું હતું. વોશિંગ્ટન સુંદરે આ 7 વિકેટોમાંથી 5 બેટ્‌સમેનોને બોલ્ડ કર્યા અને આમ કરનાર ભારતનો પાંચમો બોલર બન્યો. તેના પહેલા જસુભાઈ પટેલ, બાપુ નાડકર્ણી, અનિલ કુંબલે અને રવીન્દ્ર જાડેજાએ પણ આ કારનામું કર્યું હતું. જ્યારે રવિચંદ્રન અશ્વિન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાની રેસમાં આગળ નીકળી ગયો છે. હવે તેના નામે 189 વિકેટ છે અને તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ નાથન લિયોન (187)ને પાછળ છોડી દીધા છે.

Share This Article