અમદાવાદ : રાજયના ચાર લાખથી વધુ નિવૃત્ત કર્મચારીઓના વાજબી પ્રશ્નોનો વર્ષો બાદ પણ સરકાર દ્વારા સમાધાનકારી નિકાલ નહી આવતાં નિવૃત્ત કર્મીઓમાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. વારંવારની સરકારને રજૂઆત અને વિનંતીઓ બાદ પણ કોઇ સંતોષકારક નિકાલ નહી આવતાં હવે ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળના ચાર લાખથી વધુ સભ્ય પેન્શનરો અને તેમના પરિવારજનો મળી એક કરોડ મતદારો આગામી લોકસભાની ચૂંટણી પ્રક્રિયાથી અળગા રહેશે તેવી ચીમકી ઉચ્ચારાઇ છે. રાજયમાં એસટી કર્મચારીઓ, શિક્ષકો, આંગણવાડી બહેનો, સફાઇ કર્મીઓ બાદ હવે રાજયના લાખો નિવૃત્ત કર્મચારીઓ-પેન્શનરો આંદોલનના માર્ગે આવ્યા છે અને તેને લઇ હવે આગામી દિવસોમાં નિવૃત્ત કર્મચારીઓનો મામલો પણ ગરમાય તેવી પૂરી શકયતા છે.
ગુજરાત રાજય નિવૃત્ત કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રી મણીભાઈ જી. સુથાર, ઉપપ્રમુખ શ્રી નિર્મળસિંહ દાદુભા રાણા અને મંત્રી સનતકુમાર બી. ભટ્ટ સહિતના આગેવાનોના નેજા હેઠળ આવતીકાલે તા. ૨૮મી ફેબ્રુઆરી,૨૦૧૯ના રોજ નિવૃત્ત કર્મચારીઓ-પેન્શનરોની વણઉકેલ્યા પ્રશ્નોની માંગણીઓનું એક આવેદનપત્ર ગુજરાત રાજયના તમામ જિલ્લા કલેક્ટર મથકોએ આપવાનો કાર્યક્રમ યોજાશે. ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રી મણીભાઈ જી. સુથાર, ઉપપ્રમુખ શ્રી નિર્મળસિંહ દાદુભા રાણા અને મંત્રી સનતકુમાર બી. ભટ્ટે આ અંગે જણાવ્યું હતું કે, મહામંડળ સાથે ગુજરાતના ૨૭૨ તાલુકા અને જિલ્લા મંડળોનું જાડાણ ધરાવતાં આશરે ચાર લાખ જેટલા સભ્યો પેન્શનરોના વણઉકેલ્યા પ્રશ્નોની ગુજરાત સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ આવેલ નથી. જેથી ગુજરાતના પેન્શનરોમાં ભારે આક્રોશ સાથે નારાજગી જાવા મળી રહી છે. છેલ્લા ૧૫થી ૨૦ વર્ષ સુધી પેન્શનોના માંગણી બાબતે ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળે ક્યારેય સરકાર સામે દેખાવો કે ઉગ્ર આંદોલન કર્યાં નથી તેમજ રેલીઓ પણ કાઢી નથી.
નિવૃત્ત કર્મચારી પેન્શનર સભ્યોના પ્રશ્નોની રૂબરૂ કે પત્રો દ્વારા વારંવાર માંગણી સરકાર સમક્ષ કરી છે, ૨૦-૨૦ વર્ષ વીતી ગયાં હોવા છતાં આજ સુધી ગુજરાત સરકારે રાજ્યના લાખો નિવૃત્ત કર્મચારીઓના વ્યાજબી પ્રશ્નોનો નિકાલ કર્યો નથી. જેના લીધે કર્મચારીઓનો આક્રોશ ચરમસીમાએ છે, હવે ના છુટકે આગામી લોકસભા અને ભવિષ્યમાં થનાર તમામ ચુંટણીઓમાં કર્મચારીઓના કુટુંબ સહિતના આશરે ૧ કરોડ મતદારો ચુંટણી પ્રક્રિયાથી દુર રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, મહામંડળની સંકલન મિટિંગમાં નક્કી કર્યાં પ્રમાણે ના છુટકે આવતીકાલે તા.૨૮-૦૨-૨૦૧૯ને ગુરૂવારે બપોરે ૧-૦૦ કલાકે ગુજરાતના તમામ જિલ્લાઓના કલેક્ટરોને તેમ જ રાજયના મુખ્યમંંત્રીને મોકલી આપવા માટેનું એક આવેદનપત્ર જિલ્લા અને તાલુકાના નિવૃત્ત કર્મચારી મડંળોના હોદ્દેદારો, કારોબારી સમિતિના સભ્યો અને સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સુપ્રત કરશે. તેમણે મહામંડળ તરફથી રાજય સરકારને અનુરોધ કર્યો હતો કે, વયોવૃદ્ધ અને સિનિયર સિટિઝન એવા પેન્શનરોની વ્યાજબી માંગણીઓ અંગે સરકાર ગંંભીર બને, તેનો સ¥વરે ઉકેલ લાવે. આ સંવેદનશીલ સરકાર છે તેવી ગુજરાતના પેન્શનરોને અહેસાસ કરાવે એ મતલબની ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળની લાગણી અને માંગણી છે.