અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૩ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. તેમાં ૫૦-૬૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ મધ્ય પ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. ત્રણ સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે.
૨૯ મે બાદ રાજ્યમાં વરસાદનું જાેર ઘટી જશે. હાલની સ્થિતિ પ્રમાણે હવામાન વિભાગે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. તથા કચ્છ જિલ્લામાં ખાસ વરસાદી ગતિવિધિઓ જાેવા મળવાની શક્યતા નથી. અહીં મોટા ભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની અધિકારીક તારીખ ૧૫ જૂન છે. હાલ ત્રણ દિવસ બાદ વરસાદનું જાેર ઘટી જવાની શક્યતા છે. જેથી રાજ્યમાં ચોમાસું શરૂ થવાને લઈને હજી કોઈ ચોક્કસ સમયસીમા આપવામાં આવી નથી.
ગીર પંથકમાં મોડી રાતથી વરસી રહેલા સતત વરસાદના કારણે ગિરનાર પર્વત પર વહેલી સવારથી રોપ-વે સેવા અટકાવી દેવાઈ છે. ભારે વરસાદના કારણે તંત્રએ સુરક્ષાના ભાગ રૂપે હાલ રોપ-વે સેવા અટકાવી છે. વાતાવરણ ચોખ્ખું થતાં ફરી શ્રદ્ધાળુઓની સુવિધા માટે રોપ-વે સેવા શરૂ કરવામાં આવશે.
બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ જાેરદાર બેટિંગ કરી હતી. વલસાડના ઉમરગામના નારગોલ જલારામ સ્કૂલ પાસે વરસાદી માહોલમાં સવારે ગુલમહોરનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું, જાેકે, આ દરમિયાન નીચેથી પસાર થઈ રહેલા મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો હતો. અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જાેવા મળ્યો હતો, જેમાં ભારે પવન સાથે અમુક વિસ્તારમાં છૂટો-છવાયો વરસાદ જાેવા મળ્યો હતો. પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાના કિસ્સા સામે આવ્યા હતાં. ફાયર વિભાગને જે કોલ મળ્યા તે આધારિત રાજપુર,ગોમતીપુર ઉપરાંત સેટેલાઈટ રોડ, ખાડિયા કોટની રાંગ પાસે વૃક્ષ ધરાશાયી થવાના કોલ મળ્યા હતા.સરસપુરમાં અને સતાધાર ક્રોસ રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થયા હતા. વિરાટનગરમાં એક મકાન ઉપર વૃક્ષ ધરાશાયી થયુ હતુ.નવરંગપુરા ફાયર સ્ટેશન પાસે રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થતા ફાયર વિભાગે તેને દુર કર્યુ હતુ. જમાલપુર ચાર રસ્તા પાસે પણ વૃક્ષ ધરાશાયી થયુ હતુ.