અમદાવાદ: 132 વર્ષથી વધુ સમયથી ચા ઉદ્યોગમાં વિશ્વસનીય નામ ધરાવતા વાઘ બકરી ટી ગ્રુપે વિશ્વ દિવ્યાંગ દિવસે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન (BPA) અમદાવાદ ખાતે દિવ્યાંગ વ્યક્તિઓને સશક્ત બનાવવાની એક મહત્વપૂર્ણ પહેલ સાથે અગ્રણી પ્રોજેક્ટ શરૂ કર્યો.
પ્રોજેક્ટના ભાગ રૂપે, અમદાવાદ, ખેડા અને મહિસાગર જિલ્લાના 25 લાભાર્થીઓને તેમની આજીવિકા વધારવા માટે જંગમ નાની દુકાનો અને સંબંધિત કીટ આપવામાં આવી હતી. લાભાર્થીઓને તેમના વ્યવસાયને અસરકારક રીતે ચલાવવા માટે તાલીમ પણ આપવામાં આવી હતી. વધુમાં, BPA લાભાર્થીઓને વ્યવસાયમાં સફળ બનાવવા માટે આગામી ત્રણ વર્ષ સુધી હેન્ડ-હોલ્ડિંગ સપોર્ટ પ્રદાન કરશે.
આ પ્રસંગે વાઘ બકરી ટી ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પારસ દેસાઈ, ડિરેક્ટર્સ વિદિશા દેસાઈ, માલવી દેસાઈ અને પ્રિયમ પરીખ, સીઈઓ સંજય સિંગલ સહિતના વરિષ્ઠ મેનેજમેન્ટ અને BPAના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ભૂષણ પુનાની હાજર રહ્યાં હતા.
આ પહેલ અંગે વાત કરતા વાઘ બકરી ટી ગ્રુપના સીઈઓ શ્રી સંજય સિંગલએ જણાવ્યું હતું કે, “વાઘ બકરી ટી ગ્રુપ હંમેશા સમાજમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે અને આ પ્રોજેક્ટ સામાજિક જવાબદારી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સ્વનિર્ભર બનવા માટે સંસાધનો અને તાલીમ વડે દિવ્યાંગોને મદદ કરીને , અમે તેમને સ્વામાન સાથે આત્મર્નિભર જીવન જીવવામાં મદદ કરી રહ્યાં છીએ. અમને વિશ્વાસ છે કે આ પહેલ દિવ્યાંગોને સશક્તિકરણ તરફ આગળ લઇ જશે. આ પ્રયાસમાં BPAના સમર્થન બદલ અમે આભારી છીએ.”
આગામી સમયમાં વાઘ બકરી ટી ગ્રૂપ આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યભરમાં 100 લાભાર્થીઓને સહાય કરશે, જેનો ઉદ્દેશ્ય દિવ્યાંગોને સ્વ-રોજગારની તકો પ્રદાન કરવાનો છે અને તેમને ‘આત્મનિર્ભર’ બનવા માટે સશક્તિકરણ કરવાનો છે. વાઘ બકરી ફાઉન્ડેશન, વાઘ બકરી ટી ગ્રૂપની ચેરિટેબલ શાખા છે જેમણે આ પહેલ માટે રૂ 12 લાખની નાણાકીય સહાય આપી છે.
BPA 1954 થી દૃષ્ટિહીન અને દિવ્યાંગોને શિક્ષણ, કાઉન્સિલિંગ, પુનર્વસન અને રોજગારની તકો પૂરી પાડીને સશક્તિકરણ કરી રહ્યું છે. એશિયામાં BPA સૌથી મોટું એસોસિએશન છે જે દિવ્યાંગોને મુખ્ય પ્રવાહમાં સમાવેશ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.