અમદાવાદ : ચા ઉદ્યોગમાં 133 વર્ષથી વિશ્વસનીય નામ ધરાવતા વાઘ બકરી ટી ગ્રુપે સ્વરોજગાર પહેલ દ્વારા મહિલા સશક્તિકરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી છે. આ પહેલના ભાગ રૂપે, 50 મહિલાઓ, જેમણે અગાઉ વ્યાવસાયિક તાલીમ મેળવી હતી, તેમને તેમની ઉદ્યોગસાહસિક યાત્રા માટે સ્વરોજગાર કીટ આપવામાં આવી હતી.
શ્રી મહેંદી નવાઝ જંગ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં બ્યુટી એન્ડ વેલને, સ્ટીચિંગ એન્ડ એમ્બ્રોઇડરી સંબંધિત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલને વાઘ બકરી ટી ગ્રુપની પરગજુ શાખા વાઘ બકરી ફાઉન્ડેશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય મહિલાઓની કમાણીની ક્ષમતા વધારી અને આર્થિક રીતે સ્વતંત્ર અને સક્ષમ બનાવવાનો છે.
વાઘ બકરી ટી ગ્રુપના ડિરેક્ટર વિદિશા દેસાઈ અને માલવી દેસાઈ, સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી કિરીટ વાસુ અને પ્રોજેક્ટ લાઇફના ચીફ ડેવલોપમેન્ટ ઓફિસર ઋષિકેશ પંડ્યા સહિતના પ્રતિષ્ઠિત મહેમાનો કીટ વિતરણ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
મહિલાઓને સંબોધતા, વિદિશા દેસાઈએ તેમને નૈતિક વ્યવસાયિક પ્રથાઓ પર માર્ગદર્શન આપ્યું સાથે જ ઉદ્યોગસાહસિકતા અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. મહિલા લાભાર્થીઓએ પણ તેમની વાત શેર કરી, અન્ય લોકોને આ રીતની સફર માટે પ્રેરણા આપી હતી.
વાઘ બકરી ટી ગ્રુપના સીઈઓ સંજય સિંગલએ જણાવ્યું હતું કે, “આ મહિલાઓ આર્થિક રીતે પછાત વિસ્તારમાંથી આવે છે. તેમાંથી ઘણી વિધવા અથવા એકલી રહે છે. આ પહેલ તેમને નવી આશા અને આર્થિક સશક્તિકરણનો માર્ગ પ્રદાન કરે છે. તેમને યોગ્ય કૌશલ્યોથી સજ્જ કરવા અને આર્થિક રીતે પગભર બનાવવા સંસાધનો પૂરા પાડવાથી તેમના જીવનમાં કાયમી પરિવર્તન લાવવામાં મદદ મળશે.”
વાઘ બકરી ટી ગ્રુપનો ઉદ્દેશ્ય વર્ષ 2024-25 માં આ પહેલ હેઠળ 100 મહિલાઓને તાલીમ આપી અને સ્વરોજગાર માટે સતત સહાય પૂરી પાડવાનો છે. વાઘ બકરી ફાઉન્ડેશને આ પહેલ હેઠળ એક વર્ષ માટે રૂ. 18 લાખની સહાય ફાળવી છે, જેથી મહિલાઓની રોજગાર માટે પહેલને અસરકારક બનાવી, વધારી શકાય અને ટકાવી શકાય અને તેમને તેમના પોતાના નાના એકમો સ્થાપિત કરવામાં મદદ મળી શકે.
આ પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ચાલી રહ્યો છે, જે હેઠળ અમદાવાદ અને જૂનાગઢમાં બે કૌશલ્ય તાલીમ કેન્દ્રો અને અમદાવાદમાં એક ગાર્મેન્ટ પ્રોડક્શન યુનિટ તાલીમાર્થીઓને મદદ માટે ચલાવવામાં આવે છે.