અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વચ્છતા એ જ સેવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રેરિત રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં જોડાઈને અમદાવાદ મહાનગરની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના પ્રાંગણમાં સફાઈ શ્રમદાન કર્યું હતું. તેમણે સૌ નાગરિકોને પોતાનું ઘર-આંગણ ચોખ્ખું સાફ સુથરૂં રાખીને સ્વચ્છતાથી સ્વસ્થતા માટે પ્રેરિત થવાનું આહ્વાન કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આજીવન સ્વચ્છતા-સફાઈના ચુસ્ત આગ્રહી અને હિમાયતી રહ્યાં હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ પર્વે દેશભરમાં સ્વચ્છતા એ જ સેવા અભિયાનથી પૂજય બાપૂના સ્વચ્છતાના સંકલ્પને પાર પાડવા જન જાગૃતિ જગાવી છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાત આ અભિયાનમાં પણ આગેવાની લઈને સ્વચ્છ ગુજરાતથી સ્વસ્થ ગુજરાત – ક્લિન ગુજરાતથી હેલ્ધી ગુજરાતની નેમ જનસહયોગથી પાર પાડશે. વિજય રૂપાણીએ ૧૫મી સપ્ટેમ્બરથી બીજી ઓકટોબર, ગાંધીજયંતિ સુધી આ અભિયાનમાં રાજ્યના દરેક નાગરિકો, શાળા-કોલેજના છાત્રો, સેવા સંસ્થાઓ, મહાનગરપાલિકાઓ-નગરપાલિકાઓ સૌ કોઈ દરરોજ ૧ કલાક સફાઈ માટે ફાળવીને ગુજરાતને ગંદકીમુક્ત બનાવે તેવી પ્રેરણા આપી હતી.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી પ્રેરિત આ સ્વચ્છતા સફાઈ અભિયાન વિશ્વમાં ભારતની છબિ એક સ્વચ્છ અને સાફ સુથરા રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરશે જ. હાલ ભારત એટલે ગંદકીનો દેશ એવી છબિ વિશ્વના જનમાનસમાં છે તે આપણે સ્વચ્છતા-સફાઈથી દૂર કરવી છે એમ પણ તેમણે ઉમેર્યં હતું. મુખ્યમંત્રીએ રાજ્યમાં સ્વચ્છતા-સફાઈ તહેત લાખો ટન કચરો એકત્ર કરી નિકાલ કરાયો હોવાની તેમજ ૨૪ લાખ ઉપરાંત શૌચાલયોના નિર્માણથી રાજ્યને ખુલ્લામાં શૌચક્રિયામુક્ત બનાવવાના રાજ્ય સરકારના આયામોની વિશદ ભૂમિકા આપી હતી.
અમદાવાદના ડેપ્યુટી મેયર દિનેશ મકવાણાએ સ્વચ્છતા અભિયાન અન્વયે ખારીકટ કેનાલમાંથી ૩૪ હજાર ટન કચરો સાફ કરાયો છે તેમ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું. આ અભિયાનમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્ય રાકેશ શાહ, જગદિશભાઈ પંચાલ, મહાપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલભાઈએ શ્રમદાન કર્યું હતું. આરોગ્યના અધિક મુખ્ય સચિવ પીકેપરમાર, ડા.પ્રભાકર, મ્યુ.કમિશ્નર વિજય નહેરા અને મ્યુનિસિપલ કાઉન્સિલરો, નગરજનો આ વેળાએ ઉપસ્થિત રહ્યાં હતા.