અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા વીએસ હોસ્પિટલ પરિસરમાં કરોડો રૂપિયાના ખર્ચે નવી કોર્પોરેટ સ્ટાઇલની હોસ્પિટલ બનાવાઇ રહી છે. આ નવી હોસ્પિટલનું જાન્યુઆરી-ર૦૧૯માં લોકાર્પણ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. જા કે, આ નવી હોસ્પિટલના કારણે સરદાર પટેલ દ્વારા છેક ડિસેમ્બર-૧૯૩૧માં સ્થાપિત જૂની હોસ્પિટલનું અસ્તિત્વ ભુંસાઇ નથી જવાનું, પરંતુ જૂની હોસ્પિટલમાં દર્દીઓને અપાતી વિવિધ તબીબી સેવાઓ પૈકીની અમુક તબીબી સેવા પર કાપ મુકાય તેવી શકયતા છે. તો, વીએસ હોÂસ્પટલના સુપ્રિટેન્ડન્ટ સહિતની નિમણૂંકોને લઇ આંતરિક મતભેદ અને વિવાદ સપાટી પર આવ્યા છે. અમ્યુકો તંત્ર સંચાલિત વીએસ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલ એમ ત્રણ જનરલ હોસ્પિટલ પૈકી વીએસ હોસ્પિટલ ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓની તબીબી સારવાર માટે દાયકાઓથી પ્રસિદ્ધ છે. ગુજરાતના ખૂણેખાંચરેથી ઉપરાંત છેક રાજસ્થાનથી દર્દીઓ સારવાર માટે વીએસ હોસ્પિટલ આવે છે.
વીએસ હોસ્પિટલ પરિસરમાં સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર નામની ભવ્ય નવી હોસ્પિટલનું નિર્માણ લગભગ પૂર્ણતાના આરે હોઇ તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવામાં આવશે તેવી લાંબા સમયથી અટકળો ચાલી રહી છે. નવી હોસ્પિટલના સંચાલન માટે રાજ્ય સરકાર પાસે વાર્ષિક રૂ.૩૦૦ કરોડની ગ્રાન્ટની માગણી ઊઠી હોઇ તેનો વહીવટ મ્યુનિસિપલ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ (મેટ) કરશે તે બાબતથી નવો વિવાદ પણ ઊઠ્યો છે.
દરમિયા જૂની હોસ્પિટલના અસ્તિત્વ સામે અનેક તર્ક-વિતર્ક ઊઠતા રહ્યા છે, જેનો છેદ ઉડાવતાં ગઇકાલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ અને મેયર બીજલબહેન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જૂની હોસ્પિટલને પ૦૦ પથારીની સુવિધા સાથે ચાલુ કરાશે, પરંતુ કેટલા વિભાગ રાખવા તેની ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ વીએસ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.સંદીપ મલ્હાનને બદલીને નવા સુપરિન્ટેન્ડેન્ટની નિમણૂક કરવાનો મામલો પણ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાસ્પદ બન્યો છે. આ બાબતે મ્યુનિસિપલ ભાજપના ટોચના હોદ્દેદારોમાં ભારે મતભેદ જોવા મળ્યો છે. મેયરની લાગણી અને માગણી ડો.મલ્હાનને બદલવાની છે, જ્યારે મ્યુનિસિપલ ભાજપના નેતાએ એનએચએલ મેડિકલના ડીન ડો.પંકજ પટેલ તરફ કૂણી લાગણી દર્શાવી છે. જૂની હોસ્પિટલનો વહીવટ સુધારવા ડીન અને સુપરિન્ટેન્ડેન્ટ એક હોવા જોઇએ તેવી દલીલ પણ સામે આવી હતી, તેથી હવે શાસકોમાં એક યા બીજા પ્રકારનાં મતમતાંતર સપાટી પર આવતાં વિવાદનો સંકેત આપ્યો હતો.