પરસ્પર બેઉ પક્ષોના વિવિધ આક્ષેપો અને વચનો બાદ ગઈ કાલે કર્ણાટકની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડી ગયા હતા. ગઈકાલે છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ અંતીમ રેલીઓ અને સંભાઓ ગજવી હતી અને મતદારોને આકર્ષવા માટેના મોટા મોટા વચનો આપ્યા હતા સાથે સામસામે આરોપો પણ લગાવ્યા હતા.
હવે બન્ને પક્ષનો સોશિયલ મીડિયા આઇટી સેલ પહેલા કરતા વધુ આક્રામક રીતે ઓનલાઇન પ્રચાર કરશે. અને રોજની ફેસબુક, ટ્વિટર પોસ્ટ તેમજ વોટ્સએપ પરના મેસેજ પહેલા કરતા બેગણા વધારી દેવામાં આવશે. ભાજપ વતી પ્રચારની કમાન નરેન્દ્ર મોદીએ સંભાળી હતી, તેઓએ પહેલી મેથી કર્ણાટકમાં પ્રચારની શરૂઆત કરી હતી. દરરોજ ત્રણ રેલીઓને મોદીએ સંબોધી હતી. અમિત શાહે પણ રોજ ત્રણ રેલીઓને સંબોધી હતી. દરમિયાન આરએસએસ, ભાજપના કાર્યકર્તાઓની હત્યા થઇ રહી હોવાના આરોપો મોદી અને અમિત શાહે દરેક રેલીમાં લગાવ્યા હતા.
મોદીએ સોનિયા ગાંધીના ઇટાલીના મુળનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. સાથે રાહુલ ગાંધીને લાચ્યા વગર પાંચ મિનિટ બોલવાનો પડકાર પણ ફેંક્યો હતો. રાહુલે દરમિયાન ઇટાલીના મુળના મોદીના આરોપોનો ભાવુક થઇને જવાબ આપતા કહ્યું હતું કે મારી માતા સોનિયા ઇટાલીમાં જનમ્યા છે પણ તેઓની આખી જિંદગી ભારતમાં વીતી, તેઓએ ભારતની સંસ્કૃતિ અને દરેક બાબતોને અપનાવી. તેઓ અનેક ભારતીયો કરતા પણ વધુ ભારતીય છે.
આ વખતે સોનિયા ગાંધી પણ પ્રચારમાં ઉતર્યા હતા. તેઓએ બે વર્ષ બાદ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો અને લિંગાયત બહુમત વાળા વિસ્તારમાં રેલીને સંબોધી હતી. જ્યારે ભાજપ વતી નરેન્દ્ર મોદી, અમિત શાહ ઉપરાંત યોગી આદિત્યનાથે પણ કમાન સંભાળી હતી. યોગીએ અનેક રેલીઓને સંબોધી હતી. જે દરમિયાન તેઓએ કર્ણાટકની જનતાને અપીલ કરી હતી કે જેહાદી તત્વોથી બચવા માટે બદલાવ લાવો. વીધાનસભાની ૨૨૪ બેઠકો ધરાવતી કર્ણાટકની ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ બન્ને માટે મહત્વની માનવામાં આવે છે. ઉલ્લખેનીય છે કે કર્ણાટકમાં ૧૨મી મે એ મતદાન થશે અને ૧૫મી મે એ ચૂંટણીના પરીણામો જાહેર કરવામાં આવશે.