નવીદિલ્હી : મર્જરની સાથે જ વોડાફોન આઈડિયા દેશના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર તરીકે બની જશે. ૩૭.૪ ટકાની રેવન્યુ માર્કેટ હિસ્સેદારી રહેશે. જ્યારે કસ્ટમરોની સંખ્યા ૪૩૮ મિલિયન સુધી પહોંચશે. બ્રિટનમાં હેડક્વાર્ટર ધરાવનાર મહાકાય ટેલિકોમ કંપની વોડાફોને ગયા વર્ષે માર્ચ મહિનામાં કુમાર મંગલમ બિરલાના નેતૃત્વમાં આઈડિયા સેલ્યુલર સાથે તેના ઇંડિયા ઓપરેશનને મર્જ કરવાની જાહેરાત કરી હતી. કંપનીઓ જુનના અંત સુધીમાં મર્જરને પૂર્ણ કરવા માટે ઇચ્છુક હતી પરંતુ આ પ્રક્રિયામાં એક મહિના સુધીનો વિલંબ પહેલાથી જ થઇ ચુક્યો છે. ડોટ દ્વારા એક સપ્તાહ અગાઉ આ બંનેના મર્જરને લીલીઝંડી આપવાનો સંકેત આપવામાં આવ્યો હતો. ડોટે કહ્યું હતું કે જા આ બંને કંપનીઓ સ્પેક્ટ્રમ ચાર્જ તરીકે ૭૨ અબજ રૂપિયા ચુકવી દેશે તો મર્જર આડે કોઇ તકલીફ દેખાતી નથી.
આવી સ્થિતમાં બંને કંપનીઓએ ઝડપથી સરકારની માંગ મુજબ જ નાણાં ચુકવી દીધા છે. આની સાથે જ મર્જર માટેનો માર્ગ મોકળો થયો છે. સેબી અને શેરબજાર સાથે સંબંધિત સંસ્થાઓની મંજુરી મર્જરને મળી ચુકી છે. જુલાઈ ૨૦૧૭માં સીસીઆઈ દ્વારા સંયુક્ત ઓપરેશનને આગળ વધારવા માટે કંપનીઓને મંજુરી આપી હતી. જાન્યુઆરી ૨૦૧૮માં જ એનસીએલટી તરફથી પણ મંજુરી મળી ગઈ હતી. ડોટે શરતીરીતે મંજુરી આપીને અંતિમ મંજુરી માટે ૭૨ અબજ રૂપિયાની માંગ કરી હતી. આ ૭૨ અબજ રૂપિયા સ્પેક્ટ્રમ ચાર્જ તરીકે માંગવામાં આવ્યા છે. એક સપ્તાહ અગાઉ ડોટના સંકેત બાદથી જ મર્જરને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ચુક્યો છે. હવે આ મહાકાય કંપની સંયુક્ત રીતે ઓપરેશનમાં આવશે.