52 વર્ષ માં પ્રથમ વાર વિશ્વ હિન્દુ પરિષદમાં પ્રમુખ માટે યોજાયેલી ચૂંટણીમાં નવા અધ્યક્ષ પદે વિષ્ણુ સદાશિવ કોકજે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વિશ્વ હિંદુ પરીષદમાં છેલ્લા પાંચ દાયકા દરમિયાન એક સર્વસંમત ઉમેદવાર પદ પર હોવાથી ચૂંટણી યોજાતી ન હતી. પણ આ વખતે પ્રમુખપદ અંગે સર્વસંમતિ ન સધાતા ચૂંટણી અનિવાર્ય બની હતી. આમ ૫૨ વર્ષ બાદ વિહિપમાં પ્રમુખપદ માટે મતદાન યોજાયું હતું.

જેમાં હિમાચલ પ્રદેશના પૂર્વ ગવર્નર તેમજ નિવૃત ન્યાયમૂર્તિ વી.એસ. કોકજે વિશ્વ હિન્દુ પરિષદના નવા પ્રમુખ ચૂંટાયા છે. વિહિપના કુલ ૨૭૩ પ્રતિનિધિઓ પૈકી ૧૯૨ પ્રતિનિધિઓએ મતદાન કર્યું હતું. સવારે ૧૧:૪૦ ચાલુ થયેલું મતદાન દોઢ વાગે પૂર્ણ થઇ ગયું હતું. પરિણામ બપોરે ત્રણ બાદ આવ્યું હતું. ચૂંટણીનું વિડિયો રેકોર્ડિંગ પણ કરાયું હતું.

બાવન વર્ષ બાદ વિ.હિ.પ.માં ચૂંટણી અનિવાર્ય બની હતી કેમકે વિહિપના કેટલાક નેતાના ભાજપ અને સંઘ સાથેના સબંધોમાં કડવાશ વ્યાપી હતી. જેથી જુના હોદ્દેદારો પદ છોડવા તૈયાર ન હતા જ્યારે એક વર્ગ હવે નેતાગીરીમાં પરિવર્તન ઈચ્છતો હતો. વિહિપના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ચૂંટણી માટે દબાણ કર્યું હતું તેમ કહેવું ખોટું છે. વિહિપ એક સ્વાયત સંસ્થા છે.

પરિણામ અનુસાર કોકજેને ૧૩૧ મત મળ્યા હતા જ્યારે તેમના પ્રતિસ્પર્ધી રાઘવ રેડ્ડીને ૬૦ મત મળ્યા હતા. આમ કોકજેનો રેડ્ડી સામે બેગણાથી વધુ મતે વિજય થયો હતો.

 

Share This Article