મેલબોર્ન : મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જીત મેળવીને ભારતીય ટીમે અનેક રેકોર્ડ પોતાના નામ ઉપર કર્યા હતા. ભારતીય ખેલાડીઓએ પણ અનેક વ્યક્તિગત રેકોર્ડ આ ટેસ્ટ મેચમાં હાસલ કરી લીધા છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાની આ વિદેશમાં ૧૧મી જીત હતી. આની સાથે જ તે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના રેકોર્ડની બરોબરી કરી ચુક્યો છે. ગાંગુલીના નેતૃત્વમાં ભારતીય ટીમે ૨૮ ટેસ્ટ મેચ રમી હતી જેમાંથી ૧૧માં જીત મેળવી હતી. વિરાટ કોહલીએ ૨૪ ટેસ્ટ મેચમાં ૧૧ જીત સાથે આ રેકોર્ડ હાંસલ કર્યો છે. ધોનીએ ૩૦ ટેસ્ટ મેચોમાં ભારતને છ ટેસ્ટ મેચ જીતાડી હતી.
આ કેલેન્ડર વર્ષ ૨૦૧૮માં ભારતે ચાર ટેસ્ટ મેચ જાહાનિસબર્ગ, ટેન્ટબ્રિજ, એડિલેડ અને મેલબોર્નમાં જીત મેળવી છે. ભારતીય પેટાખંડની બહાર આ સૌથી વધારે જીતો છે. અગાઉ કોઇ એક કેલેન્ડર વર્ષમાં ભારતીય ટીમે ત્રણ ટેસ્ટ મેચ જીતી હતી. ૧૯૬૮માં ન્યુઝીલેન્ડમાં આ ત્રણ ટેસ્ટ મેચ ભારતે જીતી હતી. ટોસ જીતીને રમતી વેળા વિરાટ કોહલીએ એક પણ ટેસ્ટ મેચ ગુમાવી નથી જે એક રેકોર્ડ રહ્યો છે. ટોસ જીતીને ભારતના જીત મેળવવાનો આંકડો પણ ૮૫ ટકાની આસપાસનો રહ્યો છે. કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ ૨૧મી વખત ટોસ જીતીને ૧૮ વખત ભારતે જીત મેળવી છે જ્યારે ત્રણ ટેસ્ટ મેચ ડ્રો ગઈ છે. વિદેશમાં કોહલીએ નવ વખત ટોસ જીત્યા છે જે પૈકી આઠ વખત જીત મળી છે જ્યારે એક વખતે બાંગ્લાદેશની સામે ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.
આ ઉપરાંત પુજારાએ પણ ઉપયોગી ભૂમિકા અદા કરી છે. આ વર્ષે વિદેશમાં ચાર ટેસ્ટ મેચો ભારતે જીતી છે જે પૈકી તમામ જીતમાં ચેતેશ્વર પુજારાએ બે અડધી સદી અને બે સદી સહિતની ભૂમિકા અદા કરી છે. બુમરાહ ઓસ્ટ્રેલિયામાં શ્રેષ્ઠ બોલર તરીકે રહ્યો છે. કોઇ એક ટેસ્ટ મેચમાં શ્રેષ્ઠ બોલિંગના મામલામાં તે કપિલ દેવના ૩૩ વર્ષ જુના રેકોર્ડને તોડી દીધો છે. કપિલે ૧૯૮૫માં એડિલેડમાં ૧૦૯ રનમાં આઠ વિકેટ ઝડપી હતી. ડેબ્યુ વર્ષમાં જ બુમરાહે એક પછી એક સફળતા હાંસલ કરી છે. ભારતીય ટીમ માટે આ ૧૫૦મી ટેસ્ટ જીત હતી. ૧૫૦ ટેસ્ટ મેચ જીતનાર ભારતીય ટીમ દુનિયાની પાંચમી ટીમ બની ગઈ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, વેસ્ટઇન્ડિઝ અને આફ્રિકાએ આ સિદ્ધિ હાંસલ કરી છે.