Virat Kohli-Gautam Gambhir Controversy: સાઉથ આફ્રિકા સામે રાંચીમાં પહેલી વનડેમાં શાનદાર સદી ફટકારનાર વિરાટ કોહલીને લઇને મોટી અપડેટ સામે આવી છે. રિપોર્ટ અનુસાર તેણે એવો નિર્ણય લીધો છે. જેનાથી ટીમ ઇન્ડિાયના હેડ કોચ ગૌતમ ગંભીર સાથે તેને સંબંધ બગડી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર વિરાટ કોહલીએ આગામી ઘરેલું 50 ઓવર ટુર્નામેન્ટ રમવાથી ઇનકાર કરી દીધો છે.
થોડા દિવસ પહેલાં એવી માહિતી બહાર આવી હતી કે BCCIએ તમામ સિનિયર ખેલાડીઓને ઘરેલુ ક્રિકેટ રમવાનું કહ્યું છે અને આ મુદ્દે બોર્ડ ખૂબ જ કડક પણ છે. હેડ કોચ ગૌતમ ગંભીર પણ ઇચ્છે છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી આગામી વિજય હઝારે ટ્રોફીમાં રમે, કારણ કે બંને હવે એક જ ફોર્મેટમાં સક્રિય છે.
શું વિરાટ કોહલી વિજય હઝારે ટ્રોફી નહીં રમે?
એક મીડિયા રિપોર્ટ મુજબ, સૂત્રોના હવાલે જણાવાયું છે કે વિરાટ કોહલી વિજય હઝારે ટ્રોફીમાં રમવા માટે ઇચ્છુક નથી. કહેવાય છે કે આ મુદ્દે તેમની અને કોચ ગંભીર વચ્ચે થોડી અનબન પણ થઈ છે. BCCIના એક નજીકનાં સૂત્રએ NDTVને જણાવ્યા અનુસાર, કોહલી વિજય હઝારે ટ્રોફી રમશે નહીં, જ્યારે રોહિત શર્માએ પોતાની ઉપલબ્ધતાની પુષ્ટિ આપી છે.
જો વિરાટ કોહલી આગામી વિજય હઝારે ટ્રોફીમાં નહીં રમે તો તેમનું ODI ભવિષ્ય જોખમમાં પડી શકે છે. તેમના માટે મુશ્કેલી એ છે કે રોહિત શર્મા આ ટુર્નામેન્ટ રમવા માટે પહેલેથી રાજી છે, તેથી કોહલીનું ના રમવું પ્રશ્નો ઊભા કરે છે. ઉપરથી, ચીફ સિલેક્ટર અજીત આગરકર, હેડ કોચ ગૌતમ ગંભીર અને BCCI પહેલેથી જ શરત મૂકી ચૂક્યા છે કે સિનિયર ખેલાડીઓને ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેવું જ પડશે. હવે રસપ્રદ રહેશે કે કોહલી પોતાનો ODI કરિયર જોખમમાં મૂકી આટલો મોટો નિર્ણય લે છે કે નહીં.
રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલા શ્રેણીના પ્રથમ વનડેમાં વિરાટ કોહલીએ 135 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને પોતાના ODI કરિયરનો 52મી સદી ફટકારી હતી. તેમના સાથી રોહિત શર્માએ પણ 57 રન બનાવ્યા હતા અને બંનેએ મળીને 136 રનની ભાગીદારી કરી હતી. ભારતે આ રોમાંચક મુકાબલામાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યું હતું. ત્રણ મેચની શ્રેણીનો બીજો મુકાબલો બુધવાર, 3 ડિસેમ્બરે રાયપુરમાં રમાશે. આ મેચમાં પણ કરોડો ભારતીય ચાહકોની નજર “રો-કો” જોડી પર રહેશે.
